Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાંચબંદર મુકામે રાજ્યના શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ચાંચબંદરથી વિક્ટર પોર્ટ સુધી દરિયાઈ ખાડી પર પૂલ નિર્માણનું ખાતમુહૂર્ત થયું હતું. આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તારને દરિયાની ભૌગૌલિક વિષમ સ્થિતિ વચ્ચે સેતુથી જોડવાનું ભગીરથ કાર્ય થશે. કુલ 2.1 કિલોમીટર લાંબા પૂલમાં 550 મીટર લંબાઈ ખાડી વિસ્તારની હશે અને 22 ગાળામાં તૈયાર થશે. રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીની સબળ માંગણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરતા દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓની સમસ્યાનું સમાધાન થશે.
20 કિલોમીટર જેટલુ ઘટી જશે
આ પ્રસંગે કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય હીરા સોલંકીની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા આઝાદી બાદ વર્ષોથી ચાંચ બંદર, પટવા, સમઢિયાળા સહિતાના ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ આવશે. આ પૂલ બનતા સ્થાનિકોને 40 કિલોમીટરનું અંતર કાપી અને બહાર જવું પડતું હતું તે અંતર 20 કિલોમીટર જેટલુ ઘટી જશે. આ બ્રીજ બનવાથી મજૂરી માટે જતા શ્રમિકો પરત ઘરે આવી શકશે તેથી શાળાનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે.
પીવાના પાણી માટે પમ્પીંગ સ્ટેશન પટવા પાસે બની રહ્યું છે
આ પ્રસંગે મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારના વિકાસકાર્યો થતા હોય તો તે ગુણવત્તાસભર થાય તેના સ્પષ્ટ આગ્રહી છે. અગાઉ આ વિસ્તારમાં દાંતરડીની મેં મુલાકાત લીધી હતી અને ત્યાં બંધારો બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. પીવાના પાણી માટે પમ્પીંગ સ્ટેશન પટવા પાસે બની રહ્યું છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાની વ્યાખ્યામાં સમાવિષ્ઠ છે તેવા શ્રમિકોને કેમ્પ કરી અને શ્રમકાર્ડ મળે તે ઉપરાંત શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા અગરિયાને પડતી મુશ્કેલીની ચર્ચા કરી છે. આગામી બજેટમાં તેની જોગવાઈ કરી ખાડીમાં મીઠા પકવતા અગરિયાઓને પાણી અને આવાસની સુવિધા, બાળકો માટે પ્રાથમિક શિક્ષણ કેવી રીતે મળી શકે તેની ચિંતા કરી છે.
આ પણ વાંચો

તેમણે વધુમાં જણાવ્યું કે, મત્સ્યપાલન કરતા શ્રમિકોને પણ શ્રમિક તરીકેના લાભ અપાવવા માટે રાજ્ય સરકારની નેમ છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે રહેતા શ્રમજીવી, માછીમાર, શ્રમિકોને સ્થળ પર રોજગારી મળી શકે અને તેમને સ્થળાંતર ન કરવું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે વિકસિત વિસ્તાર, વિકસિત રાજ્યના નિર્માણ અર્થે સૌને સંકલ્પિત થવા આહ્વાન કર્યું હતું.
આ વિસ્તારની પાયાની અને મુખ્ય સમસ્યાનું સમાધાન આવશે
આ પ્રસંગે રાજુલા-ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પૂલ નિર્માણ માટે કામ મંજૂર કરતા આ વિસ્તારની પાયાની અને મુખ્ય સમસ્યાનું સમાધાન આવશે. આ પુલનું નિર્માણ થતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તે પોતાના આંગણે અભ્યાસ કરી શકશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ રાજ્યમાં માર્ગના નિર્માણ માટે રૂ. 20 હજાર કરોડ જેવી માતબર રકમ આપી છે જેના થકી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ તૈયાર થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યનો વિકાસ અવિરત થઈ રહ્યો છે.
