Amreli News: અમરેલી જિલ્લાના રાજુલામાં કોવાયા ગામ નજીક ગુજરાતી ફિલ્મ અભિનેતા ઓજસ રાવલ દ્વારા કરવામાં આવેલા સિંહ દર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. અભિનેતા ઓજસ રાવલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં સિંહ દર્શનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં સિંહણ અને સિંહબાળની નજીક જઈ સેલ્ફી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આક્ષેપો મુજબ ફોર્ચ્યુનર કારમાં સવાર થઈ સિંહણનો પીછો કરવામાં આવ્યો હતો અને વન્યપ્રાણીની નજીક જઈ ફોટોગ્રાફી તથા સેલ્ફી લેવામાં આવી હતી. જો આ દાવા સાચા હોય તો વન્યપ્રાણી સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
સૌથી મોટો સવાલ એ છે કે, સામાન્ય નાગરિકો માટે સિંહ દર્શન અને વન્યપ્રાણીઓથી અંતર જાળવવાના નિયમો લાગુ પડે છે, તો પછી ફિલ્મી કલાકારને આવી VIP ટ્રીટમેન્ટ કોણે આપી? કોવાયા ગામ નજીક સિંહ દર્શન માટે વિશેષ વ્યવસ્થા કોણે કરી હતી? શું વનવિભાગના અધિકારીઓને આ અંગે જાણ હતી?
