Amreli Accident News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. પાણાખાણના પાણીમાં યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
હાથસણી રોડની પાણાખાણમાં ડૂબ્યો યુવક
અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાં એક યુવક ડૂબી ગયો હોવાની ઘટના બની હતી. પાણીમાં યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા.
ફાયર વિભાગે ભારે જહેમતથી મૃતદેહ કાઢ્યો
આ ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી અંદાજે 2 કલાકની મથામણ બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ રાજુભાઈ વાઘેલા તરીકે થઈ
પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ રાજુભાઈ ભીમાભાઈ વાઘેલા તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, તેઓ પાણાખાણમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા તપાસ શરૂ
ઘટનાને પગલે સાવરકુંડલા સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકનું મોત કયા સંજોગોમાં થયું અને ઘટનાનું ચોક્કસ કારણ શું છે તે જાણવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
