Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, ધારી-બગસરા રોડ પર બેકાબૂ અલ્ટો કારે ત્રણ પલટી ખાધી, એક યુવાનનું મોત

મૃતક યુવક મૂળ શાપર ગામનો રહેવાસી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 07 Apr 2026 12:28 PM (IST)Updated: Tue, 07 Apr 2026 12:28 PM (IST)
amreli-news-dhari-bagasara-road-alto-car-accident-cctv-of-boy-death
HIGHLIGHTS
  • અમરેલીમાં ગમખ્વાર અકસ્માત
  • ધારી-બગસરા રોડ પર કાર પલટી
  • મૂળ શાપરના યુવાનનું મોત થયું

Amreli Accident News: અમરેલી જિલ્લામાંથી માર્ગ અકસ્માતના એક સમાચાર સામે આવી રહ્યા છે. ગત 2 એપ્રિલના રોજ ધારી-બગસરા રોડ પર પ્રેમપરા ગામ નજીક એક ગોઝારી ઘટના સામે આવી હતી. જેમાં પુરપાટ ઝડપે જતી અલ્ટો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ત્રણ પલટી મારી ગઈ હતી. આ બનાવમાં એક યુવકનું મોત થયું હતું.

બેકાબૂ અલ્ટો કારે ત્રણ પલટી ખાધી

આ અંગે મળતી વિગત અનુસાર, ધારી-બગસરા રોડ પર પ્રેમપરા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ત્રણ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે એક સફેદ રંગની અલ્ટો કાર સાપર તરફથી ધારી તરફ અત્યંત ઝડપથી આવી રહી છે.

CCTVમાં કેદ થયો ભયાનક અકસ્માત

કાર ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડમાં ઉતરી જાય છે, અને હવામાં ફંગોળાઈને એક પછી એક ત્રણ ગુલાટી મારે છે. આ હચમચાવી દેતા દ્રશ્યોમાં પલટી ખાતી વખતે લાલ ટી-શર્ટ પહેરેલો યુવાન બારીમાંથી બહાર ફેંકાય છે, અને કારના ટાયર નીચે દબાઈ જાય છે.

આશાસ્પદ યુવકનું હોસ્પિટલમાં મોત

આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા શાપરના રહેવાસી જય કમલેશ સુદાણીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાના કારણે ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે. મૃતક સુરતમાં બોર્ડની એક્ઝામ આપ્યા બાદ એક મહિનો વતનમાં આવ્યો હતો. આશાસ્પદ યુવાનના અવસાનથી સાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થયો

કારમાં સવાર અન્ય બે યુવાનનો આબાદ બચાવ થયો હતો. કાર ઉભી રહી ગયા બાદ એક યુવાન ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલીને, જ્યારે બીજો યુવાન પાછળની સીટનો દરવાજો ખોલીને સુરક્ષિત રીતે નીચે ઉતર્યા હતા, તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી.

ઓવરસ્પીડ બની અકસ્માતનું કારણ?

સ્થાનિક ચર્ચા મુજબ, જય સાપરના બે મિત્રો સાથે કાર ચલાવતા શીખી રહ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. બીજી તરફ પ્રાથમિક તપાસ અને CCTV ફૂટેજ જોતા સ્પષ્ટ થાય છે કે, કારની અતિશય ઝડપ (Over-speeding) અકસ્માતનું મુખ્ય કારણ બની છે. વળાંક અથવા રસ્તા પર કારની ઝડપ વધુ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હશે.