Amreli Flood: ધાતરવડી ડેમ-2ના 8 દરવાજા ખોલાતાં રાજુલાના પીપાવાવધામમાં પૂર, ગામડાં પાણી પાણી

ધાતરવડી નદી પર આવેલા ધાતરવડી ડેમ-2 ના 8 દરવાજા પાણીની ભારે આવકને કારણે ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 27 Oct 2025 03:48 PM (IST)Updated: Mon, 27 Oct 2025 03:48 PM (IST)
amreli-rain-news-flood-in-rajulas-pipavav-dham-as-8-gates-of-dhatarwadi-dam-2-opened-nearby-villages-submerged
HIGHLIGHTS
  • ડેમનું પાણી છોડાતાં રાજુલા નજીક આવેલા સુપ્રસિદ્ધ પીપાવાવધામ ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
  • ધામના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે, જેનાથી જનજીવન ખોરવાયું છે.

Amreli Flood: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદી આફત ચાલુ રહી છે. ધાતરવડી નદી પર આવેલા ધાતરવડી ડેમ-2 ના 8 દરવાજા પાણીની ભારે આવકને કારણે ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ડેમમાંથી પાણી છોડાતાં અનેક ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.

ડેમનું પાણી છોડાતાં રાજુલા નજીક આવેલા સુપ્રસિદ્ધ પીપાવાવધામ ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ધામના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે, જેનાથી જનજીવન ખોરવાયું છે. પીપાવાવધામની સાથે ચાંચુડી ગામમાં પણ પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ખેતીપાકો નષ્ટ, ખેડૂતો ચિંતામાં

આ પૂરના પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા ખેતીપાકો મોટા પાયે નષ્ટ થયા છે. મોંઘા પાક નિષ્ફળ જતાં ખેડૂતો માથે આભ તૂટી પડ્યું છે અને તેઓ આર્થિક નુકસાનની મોટી ચિંતામાં ગરકાવ થયા છે.

માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં, પરંતુ દરિયાકાંઠાના પીપાવાવ પોર્ટ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. પોર્ટના મહત્ત્વના ગણાતા રેલ્વે યુનિટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં કામગીરી પર અસર પહોંચી છે. રાજુલાના અન્ય અનેક ગામડાઓ પણ પાણીમાં તરબતર થઈ ગયાના અહેવાલ છે.