Amreli: અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના માર્ગો પર બેફામ બનીને ફરતા રખડતા ઢોર, ખાસ કરીને આખલાઓ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા છે. આવા જ એક ભીષણ આખલા યુદ્ધનો ભોગ બનીને એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.
મૂળ મધ્ય પ્રદેશના કુકશી તાલુકાના ઘુડદલીયા ડાવરપુરા ફળીયાના વતની અને હાલ લાઠીમાં કિશોરભાઈ બાબુભાઈ શેલડીયાની વાડીમાં મજૂરી કામ કરતા નકરૂભાઈ સુરાજીભાઈ કનોડાએ લાઠી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 24 જૂનના રોજ સાંજના આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેઓ પોતાની 27 વર્ષીય પત્ની પારુલબેન નકરૂભાઈ કનોડા (કચીદા) સાથે બાઈક પર લાઠી ખાતે ખરીદી કરવા નીકળ્યા હતા.
લાઠીના બાઉદીનપીરની દરગાહ પાસે પહોંચતા જ રોડ ઉપર બે આખલાઓ જીવલેણ યુદ્ધે ચડ્યા હતા. આ આખલા યુદ્ધ દરમિયાન અચાનક એક આખલાએ નકરૂભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી હડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા પારુલબેન કનોડા નીચે પટકાઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હેમરેજ થઈ ગયું હતું.
તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે લાઠી પોલીસને જાણ કરવામાં આવતા, હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરના પ્રશ્ન અને તેની ગંભીરતા તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે.
