Amreli Road Accident: ગુજરાતમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના માંડળ ગામ નજીકથી પસાર થઈ રહેલો બાઈક સવાર સામે ભૂંડ આડુ ઉતરતા નીચે પટકાઈને મોતને ભેટ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 8 નવેમ્બરના રોજ રાજુલા તાલુકાના માંડળ ગામમાં રહેતા પ્રવિણભાઈ વાળા (36) બાઈક લઈને કામ અર્થે પોતાની દુકાને જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામે અચાનક ભૂંડ આડુ ઉતરતાં પ્રવિણભાઈએ સંતુલન ગુમાવી દીધુ હતુ અને તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં પ્રવિણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જાહેર રોડ પર રખડતા ઢોરની સમસ્યા અને માર્ગ સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, આંતરિયાળ રોડ પરથી બે જણાં પગપાળા પસાર થઈ રહ્યા છે. આ સમયે પાછળથી પ્રવિણભાઈ બાઈક પર આવી રહ્યા છે, ત્યારે જ રોડની સાઈડમાંથી એક ભૂંડ અચાનક બહાર આવે છે અને રોડ ક્રોસ કરે છે. આ દરમિયાન ભૂંડ બાઈક સાથે ભટકાય છે, તે સાથે જ બાઈકચાલક નીચે પટકાય છે. જેનો અવાજ સાંભળીને બન્ને રાહદારીઓ દોડતા બચાવ માટે આગળ આવે છે, પરંતુ સ્થળ પર જ તેમનું મોત નીપજે છે.
