Amreli News: અમરેલી જિલ્લામાં સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં ટ્રેનના એક કોચનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
અજાણ્યા ઈસમોએ ચાલુ ટ્રેન પર પથ્થર ફેંક્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના અમરેલી જિલ્લાના લાઠી અને ખીજડીયા વચ્ચે બની હતી. અજાણ્યા ઈસમોએ ચાલુ ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા, જેના કારણે ટ્રેનના આગળના ભાગમાં આવેલા એક કોચનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી. ઘટના બાદ રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગઈ
પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ ધોળા RPFના ગોલકર સહિત રેલવે વિભાગના અધિકારીઓ અને લાઠી પોલીસની ટીમ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ધોળા RPFના ગોલકરે આ અંગે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અમારી ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મુસાફરોએ પથ્થર ફેંકનારને જોયા નથી, પરંતુ કાચ ફૂટ્યો છે. હાલ મળેલી માહિતીના આધારે લાઠી અને ખીજડીયા વચ્ચેના વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે અને કયા ઈરાદે આ કૃત્ય કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
