Amreli News: જાફરાબાદના રહેણાંક વિસ્તારમાં સિંહોએ મારી લટાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Feb 2024 04:48 PM (IST)Updated: Fri, 16 Feb 2024 05:20 PM (IST)
amreli-news-lions-roamed-the-residential-area-of-jaffrabad-video-went-viral

Amreli News: અમરેલી જિલ્લાના રહેણાંક વિસ્તારમાં અવાર-નવાર સાવજો આવી ચડતાં હોવાની ઘટનાઓ બનતી રહે છે. જેના વીડિયો પણ સમયાંતરે સોશિયલ મીડયામાં ફરતા થતા હોય છે. ગત બે દિવસથી સિંહો જાફરાબાદના બંદર વિસ્તારમાં દેખાઈ રહ્યાં છે. 13 ફેબ્રુઆરીએ સિંહણ તલાવડી વિસ્તારમાં આવી પહોંચી હતી જ્યારે 14 ફેબ્રુઆરીએ જે.ટી. હનુમાનજીના મંદિર તેમજ બોટ માલિકોની કોઢીમાં સાવજો જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહોની અવર-જવરથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

જાફરાબાદના ઘુઘવાટા મારતા દરિયા કાંઠે ત્રણ-ત્રણ સિંહો આવી પહોંચ્યા હતા. જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં સિંહોના આંટાફેરા માર્યા હતા. શિકારની શોધમાં સિંહો જાફરાબાદના સામા કાંઠા સુધી આવી પહોંચ્યા હતા. સિંહોને જોવા લોકો એકઠા થયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છેકે, માછીમારોના રહેણાક વિસ્તારમાં સિંહ આખલાની પાછળ દોડી રહ્યો હતો અને સિંહની પાછળ એક શ્વાન દોડી રહ્યું હતું. સમગ્ર ઘટના સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. તેમજ ગામમાં લાગેલા સીસીટીવીમાં પણ સિંહો કેદ થયા હતા.

જાફરાબાદ વિસ્તારમાં સિંહો આવી જવા મામલે રેન્જ આરએફઓ જી.એલ. વાઘેલાએ જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી સિંહો અહીં આવે છે. વન વિભાગનો સ્ટાફ પણ અહીં હાજર છે. સ્થાનિક આગેવાનો પણ વન વિભાગના સંપર્કમાં છે. જ્યારે સિંહ આવી ચડે છે ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.