VIDEO: સિંહણનો લાઈવ શિકાર CCTVમાં કેદ, ખાંભાના મોટા બારમણ ગામની શેરીમાં બેઠેલી ગાય પર તરાપ મારી જડબામાં જકડી

ગાય અને વાછરડું શાંતિથી બેઠા હોય છે, ત્યારે જ અંધારામાંથી ધસી આવેલી સિંહણ અચાનક હુમલો કરે છે. માંડ-માંડ સિંહણના જડબામાંથી છટકેલી ગાય તરફડિયા મારે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 08:51 PM (IST)Updated: Wed, 02 Jul 2025 08:55 PM (IST)
amreli-news-lion-attack-on-cow-in-moti-barman-village-of-khambha-caught-in-cctv
HIGHLIGHTS
  • ગીર પંથકમાં માનવ વસાહતમાં સિંહોની લટારથી લોકોમાં દહેશત
  • શિકારની શોધમાં ભૂખી સિંહણ મોટા બારમણ ગામમાં ઘૂસી

Amreli: ગીર પંથકમાં સિંહોના માનવ વસવાટવાળા વિસ્તારોમાં વિચરણના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે ખાંભા ગીરના મોટા બારમણ ગામે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. ગામની શેરીમાં બેઠેલા બે પશુઓ પર એક સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલના વરસાદી વાતાવરણમાં શિકારની શોધમાં એક સિંહણ મોટાબારમણ ગામમાં ઘૂસી આવી હતી. મોડી રાત્રે અથવા વહેલી સવારે ગામની શેરીમાં શાંતિથી બેઠેલા બે પશુઓ પર સિંહણે તરાપ મારી હતી. સિંહણનો આ લાઈવ શિકાર CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે વન્યજીવો અને માનવ વસવાટના સંઘર્ષની વાસ્તવિકતા દર્શાવે છે.

આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકોમાં આશ્ચર્ય તેમજ ચિંતા જગાવી રહ્યા છે. આ ફૂટેજમાં સિંહણની હિલચાલ અને શિકાર કરવાની તેની કુશળતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને તેઓ વન વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.