Amreli News: ખાનગી વાહનમાં વિદ્યાર્થિની સાથે છેડતીનો મામલો, સાવરકુંડલા પોલીસે કોચ અને છેડતી કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરી

સાવરકુંડલાની કોલેજની છાત્રા સાથે ચાલુ કારે વિદ્યાર્થી છેડતી કરતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, વીડિયો વાઇરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Oct 2024 05:04 PM (IST)Updated: Mon, 14 Oct 2024 05:04 PM (IST)
amreli-news-girl-student-molestation-case-savarkundla-police-arrest-coach-and-molesting-student

Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એક કોલેજની વિદ્યાર્થિનીની છેડતી મામલે કોલેજના રમતગમત કોચ અને એક વિદ્યાર્થી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજની વિદ્યાર્થિનીઓ સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. જ્યાંથી પરત ફરતી વખતે ખાનગી વાહનમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

સાવરકુંડલાની એક કોલેજની વિદ્યાર્થીનીઓ 28મી સપ્ટેમ્બર 2024ના રોજ રાજકોટ યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. કોલેજની વિદ્યાર્થિની સાથે શારીરિક શિક્ષણના પ્રોફેસર(કોચ) પણ સાથે ગયા હતા. આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ એક ખાનગી વાહનમાં પ્રોફેસર અને વિદ્યાર્થિનીઓ અમરેલી આવી રહ્યાં હતા.

વિદ્યાર્થિનીઓ રમતગમતના કોચ આરોપી એજાઝ કાઝી સાથે પરત આવી રહી હતી, ત્યારે કોચ દ્વારા રસ્તામાંથી કોલેજના વિદ્યાર્થી સાબિર મલેકને વાહનમાં બેસાડ્યો હતો. જે એક વિધાર્થિનીની બાજુમાં બેસી ગયો હતો અને ચાલુ વાહનેજ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી ધમકી આપી હતી.જેનો વીડિયો વાઈરલ થયા બાદ પીડિત વિદ્યાર્થિની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ડી.વાય.એસ.પી.અશોક સિંહ ગોહિલે આ અંગે જણાવ્યું છેકે, સાવરકડુંડલા ટાઉન પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારની એક દીકરી કોલેજમાં અભ્યાસ કરીને કબડ્ડી રમતી હતી. તેની સાથે 8 મહિના પહેલા સાબિર મલિક નામના આરોપીએ છેડતી કરી હતી.

ગત 28 ઓક્ટોબરે કોચ એજાઝ કાજી સાથે કબડ્ડી રમવા માટે રાજકોટ ગયા હતા. જોકે એજાઝ કાજીએ બોયઝ ટીમના કેપ્ટન સાબિર મલિકને પોતાની સાથે લીધો હતો. સાબિર વિદ્યાર્થિનીની બાજુમાં બેઠો હતો અને છેડતી કરવા લાગ્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. બન્નેની હાલ ધરપકડ કરવામાં આવી છે. બન્ને વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાયો છે. કોચે મંજૂરી વગર સાબિરને સાથે લઇ ગયો હતો, જેના કારણે બનાવ બન્યો હતો.