અમરેલી: બાબરામાં શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો, પતિએ ધોલેરામાં કર્યો આપઘાત

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં મહિલાની હત્યા થઈ હોવાની પ્રાથમિક આશંકા છે. પતિએ ધોલેરા ખાતે આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 09:29 PM (IST)Updated: Mon, 23 Nov 2026 09:29 PM (IST)
amreli-babra-shardaben-gohil-found-dead-husband-commit-suicide-in-dholera

Amreli Crime News: અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં મહિલાની હત્યાની આશંકા સાથે ચકચાર મચી ગઈ છે. શહેરની ખોજા શેરીમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી 40 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના શરીર પર બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક મહિલા શારદાબેન વિનોદભાઈ ગોહિલ (ઉંમર આશરે 40 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, મૃતક મહિલાના પતિએ ધોલેરા ખાતે આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી પણ પોલીસને મળી રહી છે.

મૃતક પરિવાર હીરાના વ્યવસાય અર્થે બાબરા શહેરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બાબરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.