અમરેલી: લાઠીના અડતાળા ગામે ઉપસરપંચે ગ્રામજનો સાથે કરી ધોકાવાળી, રિવોલ્વર કાઢી ધમકાવ્યા; શું હતું કારણ?

પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને ઉપસરપંચે ધમકાવી ધોકા માર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 04:55 PM (IST)Updated: Thu, 19 Nov 2026 04:55 PM (IST)
amreli-lathi-adtala-villagers-assault-case-deputy-sarpanch-jitu-vala-revolver-video

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે. ગામના ઉપસરપંચ અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણી જીતુ વાળાનો એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને મારામારી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે ગ્રામજનોએ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે.

પાણી અંગે રજૂઆત કરવા ગયા હતા ગ્રામજનો

આ મામલે ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પ્લોટમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ લઈને ગામના ઉપસરપંચ જીતુ વાળા પાસે રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે જીતુ વાળા ગાળો આપ્યા બાદ નીચે આવી ધોકો અને રિવોલ્વર લઈને તેમની સાથે મારામારી કરવા લાગ્યા હતા.

ગાળો ભાંડીને મારામારી કર્યાનો ગંભીર આક્ષેપ

અંકિત સાવકિયાના જણાવ્યા મુજબ, પાણીની ફરિયાદ કરવા જતા ગાળો આપવામાં આવી હતી. ગાળો ન આપવા કહેતા જીતુ વાળા રિવોલ્વર અને દંડો લઈને આવ્યા અને માર માર્યો હતો. તેમણે પાદરમાં આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા જામી છે.

ઉપસરપંચે રિવોલ્વર કાઢી, ધોકા વડે માર માર્યો

અન્ય ગ્રામજન મહેન્દ્રભાઈ સાવકિયાએ આક્ષેપ કર્યો હતો કે ગામના પંચાયતના બોરનું પાણી વાડી તરફ લઈ જવામાં આવે છે. તેમણે જણાવ્યું કે પાણીની રજૂઆત કરવા ગયેલા યુવકો સાથે ડંડા અને રિવોલ્વર લઈને મારામારી કરવામાં આવી હતી. સાથે જ તેમણે તંત્ર સામે પણ સવાલો ઉઠાવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઉપસરપંચ સહિત પાંચ લોકો સામે પોલીસ FIR

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો લાઠી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે ઈન્ચાર્જ SP જયવીર ગઢવીએ જણાવ્યું કે, અડતાળા ગામનો વીડિયો વાયરલ થયો છે. લાઠી પોલીસ સ્ટેશનમાં જીતુ વાળા સહિત 5 લોકો સામે BNS કલમ 109(1), 189(2), 189(4), 190, 191(2), 191(3), 115(2), 352, 351(3), 125(ફ) અને 3(5) તેમજ આર્મ્સ એક્ટની કલમ 25(1-બ)(ફ) અને G.P. Act. કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે.