આંબરડી સફારી પાર્કમાં વન કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ: સિંહ પાછળ દોડાવી બાઈક, વીડિયો વાયરલ

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં વનકર્મીઓએ સિંહ પાછળ બાઈક અને બોલેરો દોડાવ્યાનો આક્ષેપ, વીડિયો વાયરલ થતાં વનપ્રેમીઓમાં રોષ. PCCF જયપાલસિંહ રાઠોડે તપાસના આદેશ આપ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 11:44 AM (IST)Updated: Sun, 15 Nov 2026 11:44 AM (IST)
ambardi-safari-park-lion-viral-video-forest-department

Ambardi Safari Park: ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે. તેવા વન વિભાગ કર્મચારીઓએ જ કાયદાના લીરેલીરા ઉડાવ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે. અમરેલી જિલ્લામાં આવેલા ધારી નજીક ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવેલા આંબરડી સફારી પાર્કમાં વનકર્મીઓ દ્વારા જ બાઈક અને બોલેરો કાર સિંહની પાછળ દોડાવી હોવાનો આક્ષેપ છે સાવજને પરેશાન કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. જેથી વનપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

સફારી પાર્કમાં સાવજ પાછળ બાઈક દોડાવી

દિવાળીના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં સફારી માટે આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, 2થી 3 બાઇક સવારો અને એક બોલેકો સિંહની આગળ પાછળ દોડાવીને તેને રોકવાનો અને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમ પ્રમાણે, સફારી પાર્કમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં વન વિભાગના ટ્રેકર્સ અને ગાર્ડ બાઈક દોડાવી રહયા હોવાનો ગંભીર આરોપ છે.

PCCFએ તપાસનો આપ્યો આદેશ

મામલો ગરમાતા ગાંધીનગર સ્થિત વન વિભાગના વડા PCCF (અગ્ર મુખ્ય વન સંરક્ષક) જયપાલસિંહ રાઠોડ પાસેથી પ્રાપ્તિ વિગત અનુસાર,આ વીડિયો જૂનો છે, પરંતુ તેમાં વન વિભાગના ગાર્ડ અને ટ્રેકર્સ હોવાનું દેખાઈ રહ્યું હોવાથી સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે જરૂરી અને આકરી કાર્યવાહી કરવામાં આવશે.