Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની યુવતીએ દેવાથી કંટાળીને ઝેરી દવાની ટીકડીઓ ખાઈને જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાડ ગામમાં રહેતી ભૂમિકા સોરઠીયા (25) ખાંભામાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. ગઈકાલે ભૂમિકાએ પોતાની ઑફિસમાં અનાજમાં નાંખવાની ઝેરી દવાની ટીકડીઓ ખાઈ લીધી હતી. જે બાદ તબિયત લથડતા ભૂમિકાને સૌ પ્રથમ ખાંભા અને ત્યાર બાદ રાજુલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ભૂમિકાનું મોત નીપજ્યું છે.
ભૂમિકાએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના માતા-પિતાને સંબોધીને સ્યુસાઈડ નોટ લખી છે. જેમાં તેણીએ પોતાના પર રૂ.28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અંતિમ ચિઠ્ઠીમાં ભૂમિકાએ લખ્યું છે કે, મમ્મી-પપ્પા મને તમારાથી કોઈ વાંધો નથી, પરંતુ મારા પર 28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. આ દેવું સહન નથી થતું. આથી હું સ્યુસાઈડ કરું છું. હું તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી, પરંતુ બધું ઊંધુ થઈ ગયું છે. મારા મર્યા બાદ મારી કંપનીમાંથી તમને 5 લાખ રૂપિયા મળી શકશે, જેની પ્રોસેસ કરી લઈ લેજો. મારું પી.એફ. પણ પડ્યું છે, તે ઉપાડી લેજો. મારી બોડી ઘરે આવે, ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો. પ્લીઝ. મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો.
હાલ તો સ્યુસાઈડ નોટના આધારે ખાંભા IPS જયવીર ગઢવીના સુપરવિઝન હેઠળ ખાંભા PI રવિરાજ ચૌહાણની ટીમે અલગ-અલગ દિશામાં તપાસનો દૌર લંબાવ્યો છે.
