Amreli: મોટા આંકડિયા ગામે ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીનો પર્દાફાશ, ખેડૂતો સાથે છેતરપિંડીનું મોટું નેટવર્ક ઝડપાયું

'નીરી એગ્રી પ્રોડક્ટ' નામની કંપનીમાં IFFCO અને સરદાર ફર્ટિલાઇઝરના નામે નકલી ખાતર પેક કરી વેચવામાં આવતું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 04 Jan 2026 10:46 PM (IST)Updated: Sun, 04 Jan 2026 10:46 PM (IST)
amreli-news-duplicate-fertilizer-factory-busted-in-mota-ankadia-village
HIGHLIGHTS
  • SOG પોલીસે દરોડો પાડી રૂ. 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • IFFCO અને સરદાર ફર્ટિલાઇઝરના નામે નકલી ખાતર પેક કરી વેચવાનું કૌભાંડ

Amreli: અમરેલી જિલ્લામાં નકલી ખાતર વેચતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ લાલ આંખ કરી છે. બાબરાના ખંભાળામાં થયેલી તપાસ બાદ, અમરેલીના મોટા આંકડિયા ગામની સીમમાં ધમધમતી ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેક્ટરી પર દરોડા પાડી પોલીસે લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોટા આંકડિયા-પીપળલગ માર્ગ પર આવેલી 'નીરી એગ્રી પ્રોડક્ટ' નામની કંપનીમાં ચાલી રહેલા આ કૌભાંડમાં પોલીસને હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર (50 થેલી) અને POLYHALITE-IPL ખાતર (25 બેગ). બ્રાન્ડેડ કંપનીના નામે છેતરપિંડી કરવા માટે રાખેલી 'ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર' ની આશરે 5600 ખાલી બેગ ઝડપાઇ છે. ખાતર મિક્સ કરવા અને પેકિંગ કરવા માટેના 3 મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા બાબરાના ખંભાળા ગામેથી ઇફકોની બેગમાં નકલી ખાતર મળવાની ઘટના સામે આવી હતી. આ કેસની કડીઓ જોડતા પોલીસ સીધી મોટા આંકડિયાની આ ફેક્ટરી સુધી પહોંચી હતી.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અહી હલકી ગુણવત્તાના પાવડરને બ્રાન્ડેડ બેગમાં ભરી ખેડૂતોને પધરાવી દેવાનું મોટું રેકેટ ચાલતું હતું.

અમરેલી SOG એ આ ઓપરેશનમાં કુલ રૂ. 16,74,000/- નો મુદ્દામાલ જપ્ત કરી સફળતા મેળવી છે. જોકે, આ ફેક્ટરીનો મુખ્ય સંચાલક ભરત ચીમનભાઈ ધાનાણી હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.