Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાણીતા ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાનો બિલ્ડર પુત્ર રવિ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી ગત 31 ડિસેમ્બરના રોજ રહસ્યમયી રીતે લાપત્તા થતાં ચકચાર મચી જવા પામી છે. ઘરેથી નીકળતા પહેલા રવિ પાનસુરિયાએ સોશિયલ મીડિયામાં ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે અને સ્યુસાઈડ નોટ લખીને પોતાની વ્યથા ઠાલવી છે.
પોલીસ સ્ટેશને કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે, રવિ પાનસુરીયાએ ગોધરા NEET કાંડના મુખ્ય આરોપી દીક્ષિત પટેલ સહિત કુલ 16 જેટલા વ્યાજખોરો પાસેથી અલગ-અલગ સમયે 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા.
આ પણ વાંચો
આ રકમ સામે રવિએ અત્યાર સુધીમાં 4.90 કરોડની મિલકત લખી આપી છે. તેમજ 3.38 કરોડ રૂપિયા RTGS મારફતે ચૂકવી આપી છે. આમ છતાં બાકી નીકળતા 2.97 કરોડ રૂપિયાની રકમ સામે વ્યાજખોરો દ્વારા રૂ. 15 કરોડની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે.
ગત 31 ડિસેમ્બરની રાતે રવિ પાનસુરીયા પોતાના ઘરેથી હાથમાં મોબાઈલ લઈને નીકળતો CCTVમાં કેદ થયો હતો. જે બાદ તેનો કોઈ પત્તો નથી. રવિએ ઘરેથી નીકળતા પહેલા બનાવેલો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, હું આ લોકોને વ્યાજ ચૂકવી-ચૂકવીને થાકી ગયો છું. 11 કરોડ જેટલું વ્યાજ ચૂકવી દીધુ હોવા છતાં આ લોકો ટોર્ચર કરી રહ્યા છે.
વ્યાજખોરોની પત્નીના ફોન આવે અને તેમનો માણસ કિરણ સુથાર ઓફિસમાં આવીને ધમકીઓ આપે છે. આ લોકોએ મારું નામ ખરાબ કરી નાંખ્યું છે. હવે હું જે કંઈ કરું છું, તે મજબૂરીમાં કરું છું. આટલું જ નહીં, વ્યાજખોરો દ્વારા આપવામાં આવતી ધાક-ધમકીનો એક ઓડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પરિવારમાં ચિંતાનું મોજું, પોલીસ તપાસ તેજ
એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિનો પુત્ર અને પોતે બિલ્ડર હોવા છતાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં રવિના પિતા અને પરિવારજનો ઘેરી ચિંતામાં છે. અમરેલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી રવિ પાનસુરીયાની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
