Amreli: ધારીમાં લગ્નના આગલા દિવસે જ વરરાજાની ઘાતકી હત્યા, મંગેતરના પ્રેમીએ મળવા બોલાવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

મૃતકની મંગેતરને શોએબ સમા સાથે પ્રેમસબંધ હતો. અગાઉ શોએબે ઈન્સ્ટાગ્રામ થકી વિશાલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Feb 2025 07:20 PM (IST)Updated: Fri, 21 Feb 2025 07:21 PM (IST)
amreli-news-brutal-murder-of-groom-on-the-eve-of-marriage-in-dhari
HIGHLIGHTS
  • મકવાણા પરિવારમાં શરણાઈના સુરના બદલે મોતનો માતમ છવાયો

Amreli: અમરેલીના ધારીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં ધારીના મીઠાપુર ગામે લગ્નના આગલા દિવસે મંગતેરના પ્રેમી દ્વારા વરરાજાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધારી તાલુકાના મીઠાપુર ગામમાં રહેતા વિશાલ મકવાણાના આવતીકાલના રોજ લગ્ન થવાના હતા. જો કે લગ્નના આગલા દિવસે જ વિશાલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા મકવાણા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવેલી પોલીસે પંચનામું કર્યાં બાદ વિશાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં વિશાલની વાગ્દત્તાને શોએબ નામના યુવક સાથે પ્રેમસબંધ હતો. અગાઉ પણ શોએબે ઈન્સ્ટાગ્રામ થકી વિશાલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, પરંતુ વિશાલે તેને ગણકારી નહતી.

જો કે લગ્નના એક દિવસ પહેલા જ શોએબ સમાએ વિશાલને ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં શોએબ પોતાના અન્ય એક મિત્ર સાથે આવી પહોંચ્યો હતો. આ દરમિયાન વિશાલ અને શોએબ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેને રહેંસી નાંખવામાં આવ્યો હતો. વિશાલને મોતને ઘાટ ઉતાર્યા બાદ શોએબ પોતાના મિત્ર સાથે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.

આ બનાવના પગલે માતા-પિતાએ આક્રંદ કરી મૂક્યું હતુ. જ્યારે ગ્રામજનોમાં પણ આ બનાવને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. જેમણે હત્યારાને ફાંસીની સજાની માંગ કરી છે.

આ સંદર્ભે પોલીસે વિશાલની ભાવિ પત્નીની પણ પૂછપરછ કરી છે. હાલ તો પોલીસે શોએબ અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.