Amreli: જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ જોવા મળતા તમામ બંદરો પર એલર્ટ જાહેર, કોસ્ટગાર્ડના હેલિકૉપ્ટર દ્વારા સઘન તપાસ

જાફરાબાદ, ચાંચબંદર અને ધારાબંદર સહિતના તમામ બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાં ગયેલી પોતાની બોટો પરત બોલાવવાના આદેશ કરવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 May 2025 05:02 PM (IST)Updated: Sun, 18 May 2025 05:02 PM (IST)
amreli-news-alert-issued-on-all-ports-if-suspicious-boat-is-seen-in-jafrabad-sea
HIGHLIGHTS
  • માછીમારો દ્વારા વાયરલેસ મારફતે કોસ્ટગાર્ડને જાણ કરાઈ

Amreli: દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાફરાબાદના દરિયામાં 20 નોટીકલ માઈલ દૂર એક અજાણી બોટ નજરે ચડતા તંત્ર સક્રિય બન્યું છે.

આ ઘટનાની જાણ માછીમારો દ્વારા તાત્કાલિક વાયરલેસ મારફતે બોટ પ્રમુખને કરવામાં આવી હતી. બોટ એસોસિએશન દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોસ્ટ ગાર્ડને આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ બાબતની માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે દરિયાઈ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ફિશરીઝ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, જાફરાબાદ, ચાંચબંદર અને ધારાબંદર સહિતના તમામ બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાં ગયેલી પોતાની બોટો પરત બોલાવવાના આદેશ કરવામાં આવ્યા છે.

દરિયાઈ સીમાની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ખેડવાનું ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાને લગતા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.