Amreli: બગસરામાં 9 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત, સવારે માતાએ ઉઠાડવા જતાં દીકરીએ આંખો જ ના ખોલી

સવારે 10 વાગ્યે સૂઈ રહેલી બહેનને ઉઠાડવા ભાઈએ ઢંઢોળી જોઈ, પરંતુ તે ઉઠતી ના હોવાથી તેણે માતાને બોલાવી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 14 Jul 2025 10:49 PM (IST)Updated: Mon, 14 Jul 2025 10:49 PM (IST)
amreli-news-9-years-old-girl-died-due-to-heart-attack-in-bagasara
પ્રતિકાત્મક તસવીર
HIGHLIGHTS
  • નફીસા ધોરણ-2માં અભ્યાસ કરતી હતી

Amreli: કોવિડ બાદ હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વયસ્કો જ નહીં યુવાનો અને નાના બાળકોનું પણ અચાનક હ્રદય બંધ પડી રહ્યું છે, ત્યારે અમરેલીના બગસરામાં માત્ર 9 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બગસરાના નવા જીનપરા વિસ્તારમાં રહેતા આસિફ પઠાણની 9 વર્ષની દીકરી નફીસા ધોરણ 2માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ નફિસા સૂઈ રહી હોવાથી, તેનો ભાઈ તેને ઉઠાડવા ગયો હતો. જો કે નફિસા હલન-ચલન ના કરતી હોવાથી તેણે માતાને જાણ કરી હતી.

માતાએ પણ નફિસાને ઉઠાડવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ તે ઉઠતી ના હોવાથી તેમને પતિને જાણ કરી હતી. આખરે પતિ-પત્ની દીકરી નફિસાને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નફિસાનું હ્રદય રોગના હુમલાથી મોત થયું હોવાનું જાહેર કરતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કુમળી વયે હાર્ટ એટેકથી મોતના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.