Amreli: ગરીયા ગામે બાળકોએ કપાસના ઢગલામાં આગ લગાડતા નિંદ્રાધીન 4 વર્ષના માસૂમનું મોત, શ્રમિક પરિવારમાં કલ્પાંત

અમરેલીના ગરીયા ગામે બાળકોએ રમતા રમતા કપાસના ઢગલામાં આગ લગાડી, જેમાં સૂતેલો 4 વર્ષનો બાળક ગણેશ તોલસીંગ ભુરીયા ગંભીર રીતે દાઝી ગયો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા શ્રમિક પરિવારમાં શોક છવાઈ ગયો છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Nov 2026 04:44 PM (IST)Updated: Thu, 05 Nov 2026 04:44 PM (IST)
amreli-news-4-year-old-child-dies-in-tragic-cotton-heap-fire-at-gariya-village

Amreli: અમરેલીના ગરીયા ગામે બાળકોએ રમતા રમતા કપાસના ઢગલામાં આગ ચાંપી દીધી હતી. જે આગમાં નિદ્રાધીન ચાર વર્ષનો માસૂમ લપેટાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા માસુમનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીના ગરીયા ગામે વાડીએ એકઠા કરેલા કપાસના ઢગલામાં આગ લાગતા શ્રમિક પરિવારના ગણેશ તોલસીંગ ભુરીયા નામનો 4 વર્ષનો નિદ્રાધીન બાળક દાઝી ગયો હતો.

ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા ટૂંકી સારવાર દરમિયાન માસૂમ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરતા અમરેલી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને મૃતક બાળક ત્રણ ભાઇ બે બહેનમાં નાનો હતો. મૃતક બાળક કપાસના ઢગલા પર સૂતો હતો, ત્યારે અન્ય બાળકોએ રમતા રમતા કપાસના ઢગલામાં આગ ચાંપી દીધી હતી. જે આગમાં લપેટાયેલા નિદ્રાધીન બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.