અમરેલીની સ્કૂલમાં સૌરાષ્ટ્રની પ્રથમ VR અને AI સક્ષમ 7D વર્ચ્યુઅલ રિયાલિટી લેબ શરૂ, વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધા તદ્દન નિઃશુલ્ક

અમરેલીની ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલે સૌરાષ્ટ્રની પ્રથમ VR લેબ અને 10 AI-સક્ષમ 7D ચેર શરૂ કરી છે, જે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આધારિત ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડશે. આ અદ્યતન સુવિધા અમરેલી જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Nov 2026 08:43 PM (IST)Updated: Wed, 04 Nov 2026 08:43 PM (IST)
saurashtra-first-vr-and-ai-enabled-7d-virtual-reality-lab-launched-in-amreli-dr-kalam-innovative-school-free-access-for-students

Amreli 7D VR Lab: શિક્ષણ ક્ષેત્રે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ આધારિત ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાની દિશામાં અમરેલી શહેરના ઈશ્વરીયા નજીક આવેલી ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલે સૌરાષ્ટ્રની પ્રથમ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) લેબ અને 10 AI-સક્ષમ 7D ચેર કાર્યરત કરી અને શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પહેલથી વિદ્યાર્થીઓ હવે જટિલ વિષયોને માત્ર પુસ્તકોમાં વાંચવા કે ગોખવા પૂરતા મર્યાદિત ન રહેતાં, આધુનિક ટેકનોલોજીની મદદથી જીવંત અનુભવો દ્વારા સમજી શકે છે. શાળાને આ સુવિધા આર્થિક સહયોગથી પ્રાપ્ત થઈ હોવાથી તેનો લાભ અમરેલી જિલ્લાની તમામ શાળાઓ લઈ શકશે.

શાળામાં કાર્યરત અદ્યતન VR લેબ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશ કરાવી વિવિધ વિષયોનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. લેબમાં સ્થાપિત 10 AI-સક્ષમ 7D ચેર 360 ડિગ્રી રોટેશન, વાઇબ્રેશન અને અન્ય સંવેદનાત્મક અસરો દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિકતાની નજીકનો અનુભવ આપે છે. જેના પરિણામે વિજ્ઞાન, ભૂગોળ અને ઇતિહાસ જેવા વિષયોનું અધ્યયન વધુ રસપ્રદ અને સમજણસભર બને છે.

દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓના વર્ચ્યુઅલ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રાના વાતાવરણને અનુભવી શકે છે. તેવી જ રીતે, ભૂકંપના આંચકા અને કંપનની અનુભૂતિ દ્વારા કુદરતી આપત્તિઓ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવી શકે છે. વોટર-સ્પ્રે અને રોટેશન ટેકનોલોજીની મદદથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનુભવ પણ વિદ્યાર્થીઓ માટે અભ્યાસને વધુ જીવંત બનાવે છે.

આ પહેલ અંગે શાળાના સંચાલક જય કાથરોટિયાએ જણાવ્યું હતું કે, બાળકો દૃશ્ય માધ્યમથી વિષયોને યાદ રાખે છે, પરંતુ 7D ચેર પર ઓક્યુલસની મદદથી તેઓ અઘરા વિષયોને પ્રત્યક્ષ અનુભવી શકે છે. અમારો મુખ્ય સંકલ્પ એ છે કે, આધુનિક ટેકનોલોજીનો લાભ માત્ર અમુક વર્ગ પૂરતો સીમિત ન રહે, પરંતુ અમરેલી શહેર અને જિલ્લાના છેવાડાનાં ગામડાંઓના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે.”


ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના સહયોગથી સાકાર થયેલી આ સુવિધા માત્ર શાળાના વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમરેલી જિલ્લાના તમામ સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આ સુવિધા તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

naidunia_image

લેબ શરૂ થયાના પ્રથમ એક માસમાં જ અન્ય શાળાઓના 700થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને આ અદ્યતન ટેકનોલોજીનો લાભ મેળવ્યો છે. જિલ્લાની અન્ય તમામ શાળાઓ આ સુવિધાઓ લઈ શકશે."

અગાઉ ‘ટેકનોરથ સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરનાર ઇનોવેટિવ સ્કૂલે આ નવી પહેલ દ્વારા ડિજિટલ ભેદભાવ દૂર કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમરેલી જેવા વિસ્તારમાં ગ્રામ્ય અને છેવાડાના વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ શિક્ષણનો અનુભવ પૂરો પાડતું આ મોડેલ શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ બની રહ્યું છે.

આમ, આ પહેલ માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતી સીમિત નથી, પરંતુ દરેક વિદ્યાર્થીને સમાન તક અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પની સાફલ્ય ગાથા છે.