શિયાળબેટના માછીમારોની વર્ષો જૂની માંગ પૂરી! ટાપુ પર બનવા જઈ રહ્યું છે શાનદાર ફિશ લેન્ડિંગ સેન્ટર

અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર માછીમારો માટે આધુનિક ફિશ લેન્ડિંગ સેન્ટર બનાવવાની રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 04 Nov 2026 06:17 PM (IST)Updated: Wed, 04 Nov 2026 06:17 PM (IST)
shiyalbet-fish-landing-center-approved-for-amreli-fishermen

Shiyalbet News: ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અમરેલી જિલ્લાના શિયાળબેટ ટાપુ પર રહેતા સ્થાનિક માછીમારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમાર સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી જરૂરિયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ટાપુ પર નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર મંજૂર કર્યું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિયાળબેટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર (ફિશ લેન્ડિંગ સેન્ટર) વિકસાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

ભૌગોલિક પડકારો વચ્ચે માછીમારોને મોટી રાહત

શિયાળબેટ ટાપુની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ટાપુ પર હાલ 154 જેટલી બોટો, 2,680ની કુલ વસ્તી અને 1100થી વધુ સક્રિય માછીમારો છે. અહીં વાર્ષિક અંદાજે 4,611 ટન મત્સ્ય ઉત્પાદન થાય છે.

આ ટાપુ ભૌગોલિક રીતે જમીનમાર્ગ સાથે જોડાયેલો ન હોવાના કારણે અહીંના સ્થાનિક માછીમારો માટે અન્ય બંદરોનો ઉપયોગ કરવો શક્ય બનતો નથી. પરિણામે તેમણે ફરજિયાતપણે ટાપુની આસપાસ જ બોટ પાર્ક કરવી પડે છે. શિયાળબેટના મોટા ભાગના પરિવારો માટે માછીમારી જ રોજીરોટી મેળવવાનો એકમાત્ર સ્ત્રોત હોવાથી, અહીં એક સુરક્ષિત અને આધુનિક ફિશ લેન્ડિંગ સેન્ટર નિર્માણ પામે તે અત્યંત જરૂરી હતું.

કઈ-કઈ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે આ સેન્ટર?

શિયાળબેટ ખાતે આકાર પામનારા આ નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રમાં માછીમારોની સુવિધા માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત-

  • પાઇલ જેટી (Pile Jetty) અને રીક્લેમેશન (Reclamation)
  • સ્ટોન બન્ડ (Stone Bund) અને પેવર બ્લોક સર્ફેસ
  • અદ્યતન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને લાઇટિંગ

આ તમામ સુવિધાઓ તૈયાર થવાથી માછલીનું હેન્ડલિંગ, સંગ્રહ (Storage), હરાજી (Auction), સંરક્ષણ અને પરિવહન (Transport) જેવી તમામ કામગીરી હવે એક જ સ્થળેથી સરળતાથી થઈ શકશે.

સ્થાનિક આજીવિકા અને રોજગારીને મળશે નવું બળ

આ નિર્ણયના દૂરગામી પરિણામો અંગે વાત કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અદ્યતન સંગ્રહ સુવિધાઓ મળવાથી માછલીઓનો બગાડ અટકશે અને માછીમારો માટે દૂરના વિસ્તારો સુધી માલ પહોંચાડવો આસાન બનશે.

આ સુધારાથી સ્થાનિક માછીમારોની આવક અને આજીવિકામાં સુધારો થશે, દરિયાઈ સુરક્ષા વધશે અને જીવનધોરણ ઊંચું આવશે. સાથોસાથ આ મત્સ્ય ઉતરાણ કેન્દ્રના કારણે વિસ્તારમાં રોજગારીની નવી તકો પણ ઉભી થશે.