Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં મિલીપેડ એટલે કે, કાંઉસી ઇયળનો સખત ઉપદ્રવ સામે આવ્યો છે, આ કીટકોના આક્રમણના લીધે ગ્રામીણ વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે અને સ્થાનિકો માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. કૃષ્ણગઢ, મિતિયાળા, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ઘણા ગામોમાં લાખોની સંખ્યામાં જોવા મળતા મીલિપેડ હવે માત્ર ખેતર સુધી જ નહીં પરંતુ હવે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.
ગામલોકોનું રોજિંદુ જીવન ખોરવાયું
આ પણ વાંચો
સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, છેલ્લા 4 વર્ષોથી સતત સમસ્યા વકરી ગઈ છે. મોટી સંખ્યામાં મિલીપેડનો ઉપદ્રવ સર્જાતા ગ્રામજનોમાં ભારે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. ઘરમાં પગ મૂકતાં પહેલા જમીન જોવી પડે અને જમવા અને બેસવા માટે જગ્યા સાફ કરવી પડે તેવી સ્થિતિ સર્જાતા ગ્રામજનો ભારે લાચાર બની ગયા છે. તેમજ ઇયળોથી ખાદ્યસામગ્રી અને અનાજને બચાવવા માટે જમીનથી ઊંચાઈ પર રાખવામાં આવી રહ્યા છે.
બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ
લોકોના જણાવ્યા મુજબ, ઘરમાં એક જગ્યાએથી ઈયળો દુર કરવામાં આવે તો બીજી જગ્યાએથી મોટી સંખ્યામાં ઈયળો નીકળી આવે છે. ઘરની દિવાલો અને છત પર મિલીપેડથી બાળકો અને વૃદ્ધો ભારે ભયની સ્થિતિમાં મૂકાયા છે. તેથી રોજબરોજનું લોકોનું જીવન આ મુશ્કેલીના લીધે ખોરવાયું છે,આ સમસ્યા કેમ વકરી તેની પાછળ હજુ સુધી કોઈ સચોટ અને સત્તાવાર વૈજ્ઞાનિક કારણ સામે નથી આવ્યું.
ગ્રામજનોએ ખનન પ્રવૃતિને જવાબદાર ગણાવી
પરંતુ મિતિયાળા સહિતના સ્થાનિક વિસ્તારોમાં સતત ખોદકામ, માટી-પથ્થર ખનન અને જેસીબીના બેફામ ઉપયોગથી ઇયળોના કુદરતી આવાસ નાશ પામ્યા છે. જેથી હવે આ જીવાતો માનવ વસાહતો તરફ ઘસી આવી છે. ગામમાં મિલીપેડ આવવા પાછળ ગ્રામજનો ખનન પ્રવૃત્તિને જવાબદાર ગણી રહ્યા છે. પરંતુ કીટ વિજ્ઞાન, કૃષિ નિષ્ણાંતો અને વન વિભાગ જો સંયુક્ત તપાસ કરશે તો આનું સાચુ કારણ જાણી શકાશે.
