Amreli News: લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમરેલી લોકસભા બેઠક સતત વિવાદમાં આવી રહી છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા દ્વારા તાજેતરમાં એક સભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ઉંચુ સ્થાન મળવાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જેના જવાબમાં ભરત સુતરિયાએ નારણ કાછડિયાને એક પત્ર લખ્યો છે અને તેમાં જણાવ્યું છેકે, તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો, ફરી એકવાર આપને થેન્ક્યુ.
ભરત સુતરિયાએ પત્રમાં લખ્યં છેકે, જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું,જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે, જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું. 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કીધેલું.
પત્રમાં વધુમાં લખ્યું છેકે, 2021માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહેલું. 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કીધેલું. તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે. વધુમાં,જ્યારે દેશમાં લોકસભા (સાંસદ)ની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા અને પાર્લામેન્ટ્રી બોર્ડ કરતું હોય ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો.
આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટ્રી બોર્ડનુ પણ અપમાન કરી રહ્યા છો. નારણભાઈ કાછડીયા, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે ?…આપ સત્યથી પરિચિત જ છો,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર અને આખરી વાર …થેન્ક્યુ, નારણ કાછડીયા.
