Amreli Lion Attack: અમરેલી અને ગીર વિસ્તારમાં સિંહોના હુમલા અવારનવાર વધી ગયા છે. રાજલા પંથકમાં નવી બારપટોળી ગામની સીમમાં એક બીમાર સિંહના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહે અચાનક ટ્રેકર અને ફોરેસ્ટર પર હિંસક હુમલો કરી દીધો હતો. જેના લીધે બંને વન્યકર્મીઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના દરમિયાન એક વન્ય કર્મીની રિવોલ્વર અને કારતૂસ સ્થળ પર પડી ગયા હતા.
બીમાર સિંહે વન કર્મી પર હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, નવી બારપટોળી ગામની સીમમાં એક 9 વર્ષીય સિંહ બીમાર હતો. જેની જાણ વન વિભાગને થતાં ટીમ સ્થળ પર પહોચી હતી. બીમાર સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતાં તે હિંસક બની ગયો હતો. તેણે ફોરેસ્ટ કર્મચારી એમ જે ખાવડીયા અને ટ્રેકર ભરત જોગદીયા પર ગંભીર હુમલો કર્યો હતો. જેમાં તેઓને છાતી અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સિંહના હુમલા દરમિયાન ફોરેસ્ટર એમ. જે ખાવડિયાની લાયસન્સવાળી રિવોલ્વર અને કારતૂસ ગુમ થઈ ગયા હતા. જેને લીધે વન વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
વનકર્મીની રિવોલ્વર ગુમ થઈ
જ્યારે બીજી તરફ ગંભીર ઈજાગ્રસ્ત વન વિભાગના કર્મચારીઓને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે બંને પૈકી ટ્રેકરને વધારે ઈજાઓ પહોંચી હોવાથી ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. વન વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક ધોરણે ગુમ રિવોલ્વરની શોધખોળ કરાઈ હતી. પરંતુ કોઈ સફળતા હાથ ન લાગી, હાલ વન વિભાગની ટીમે બીમાર સિંહના લોકેશનને ટ્રેસ કરવાની સાથે રિવોલ્વર શોધવાની કામગીરી તેજ કરી છે.
શું કહ્યું ડીસીએફએ?
સિંહ હુમલા અંગે શેત્રુંજી ડિવિઝના ડીસીએફ ચિરાગ અમીને જણાવેલ કે, જ્યારે સિંહ બીમાર અને ઈજાગ્રસ્ત સ્થિતિમાં વાડી વિસ્તારમાં હતો. તેની જાણ વન વિભાગને થઈ હતી. વન કર્મચારીઓએ જ્યારે બીમાર સિંહનું રેસ્ક્યુ કરવા ગયા ત્યારે ઘઠના ઘટી હતી. જોકે, ભવિષ્યમાં આવી ઘટના ન બને માટે હવે વેટરનરી તબીબોની ટીમને સાથે રાખીને સુરક્ષિતપણે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવશે.
