અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી વિવાદમાં: સાવરકુંડલા બાયપાસ પાસે યુવક પર હુમલો કરી માથામાં ઝીંકી પાંચ ચાની કિટલીઓ

ધર્મકુમાર જોશીપૂરા નામના યુવક પર સંદીપ ધાનાણી દ્વારા ઉશ્કેરાઈને ચાની 5 જેટલી કિટલીઓ સીધી તેના માથામાં ફટકારવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 22 Sep 2026 12:19 PM (IST)Updated: Tue, 22 Sep 2026 12:19 PM (IST)
amreli-congress-president-sandeep-dhanani-in-controversy-over-attacking-youth-with-tea-kettle

Amreli News: અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સંદીપ ધાનાણીએ ઉશ્કેરાઈને એક યુવક પર પાંચ વખત કિટલીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના સાવરકુંડલા બાયપાસ નજીક આવેલા ચાની કિટલીના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહીં ધર્મકુમાર જોશીપૂરા નામના યુવક પર સંદીપ ધાનાણી દ્વારા ઉશ્કેરાઈને ચાની 5 જેટલી કિટલીઓ સીધી તેના માથામાં ફટકારવામાં આવી હતી. આ અતિશય ક્રૂર હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા ધર્મકુમાર જોશીપુરાના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને 9 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ હવે વધુ તપાસ ચલાવી રહી છે.આ મામલે ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો અને સ્થાનિકો દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને હુમલાખોર સંદીપ ધાનાણી સામે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય છે કે આરોપી સંદીપ ધાનાણી એ ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના કુટુંબી ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.