ફરજ સાથે નિભાવી માનવતા: ટ્રેન નીચે આપઘાત કરવા ગયેલા વિદ્યાર્થીનો ST ડ્રાઈવરે જીવના જોખમે જીવ બચાવ્યો

અમરેલીના લાઠી નજીક ટ્રેન નીચે આપઘાત કરવા ગયેલા વિદ્યાર્થી માટે ST બસ ડ્રાઈવર રફિકભાઈ ગાગદાણી દેવદૂત બન્યા. ધગધગતા એન્જિન નીચેથી પોતાના જીવના જોખમે યુવકને બચાવી હોસ્પિટલ ખસેડ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 10:39 AM (IST)Updated: Fri, 16 Oct 2026 10:39 AM (IST)
amreli-lathi-st-bus-driver-saves-student-trapped-under-train-engine

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી નજીક એક હ્રદય કંપાવનારી ઘટનામાં માનવતા દાખવતી એક ઘટના સામે આવી છે. લાઠી નજીક અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીએ ધસમસતી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થી રેલ્વે પાટા પર આવ્યો તે જ ક્ષણે ટ્રેન તો થંભી ગઈ હતી. પરંતુ આ અકસ્માતમાં તે ટ્રેનના એન્જિન નીચે વિદ્યાર્થી ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

એસટી ડ્રાઈવર બન્યા દેવદૂત

ટ્રેનનું એન્જિન ખૂબ જ ગરમ હોવાથી ધગધગતા લોખંડ વચ્ચે ફસાયેલા લોહીલુહાણ યુવાનને બહાર નીકળવો અત્યંક પડકારજનક હતો. ઉપસ્થિત લોકો આ નજારો જોઈ રહ્યા હતા. જ્યારે બીજી બાજુ વિદ્યાર્થી પોતાના જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહ્યો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થતી ઢસા-લાઠી રુટની ગુજરાત એસટી બસના ડ્રાઈવર રફિકભાઈ ગાગદાણીની નજર આ દ્રશ્ય પર પડી હતી.

આ નજારો જોતાં પળનો પણ વિલંબ કર્યા વિના પોતાની ફરજ સાથે માનવતાનો ફરજ નીભાવ્યો હતો. રફિકભાઈ પોતાના જીવના જોખમ અને એન્જિનની અસહ્ય ગરમીની કોઈ પરવા કર્યા વિના તેઓ તાબડતોબ ટ્રેન નીચે ઘૂસી ગયા હતા, તેઓએ ભારે જહેમતથી વિદ્યાર્થીને સકુશળ બહાર નીકાળ્યો હતો.

વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડ્યો

વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે લાઠી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ઇલાજ માટે અમરેલીથી રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજૂ એસટી બસના ડ્રાઈવર રફિકભાઈની બહાદુરી અને સમયસૂચકતાથઈ માત્ર એક વિદ્યાર્થીનો જીવ જ નહીં પરંતુ એક પરિવારનો આધારસ્તંભ બચ્યો હતો. આ બહાદુરીભર્યા કામના લીધે સમગ્ર વિસ્તારના મુસાફરો અને સ્થાનિકોમાં એસ.ટી. ડ્રાઈવર રફિકભાઈની ચોમેર પ્રશંસા થઈ રહી છે.