Amreli: ખાંભામાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકની તલવાર-કુહાડીના ઘા ઝીંકી ઘાતકી હત્યા, એક ગંભીર

અમરેલીના ખાંભાના નાની ધારી ગામમાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકની તલવાર અને કુહાડીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 16 Jul 2026 12:51 PM (IST)Updated: Thu, 16 Jul 2026 12:51 PM (IST)
amreli-khambha-love-marriage-rivalry-youth-murdered-in-nani-dhari-village

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પ્રેમલગ્નના મનદુખને લઈને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ખાંભા પંથકમાં આવેલા નાની ધારી ગામમાં બુધવારે જયરાજ ઉર્ફે લાલાભાઈ ધાખડા પર કેટલાક શખ્સોએ ઘાતકી હુમલો કરી દીધો હતો, જેમાં યુવકનુ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવક શક્તિરાજ અમરુ વાળાને ગંભીર ઈજાઓને પગલે સારવાર હેઠળ ખસેડાયો હતો. આ અંગે ખાંભા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રેમલગ્નની અદાવતમાં યુવક પર હુમલો

મળતી માહિતી મુજબ, મૃતક યુવક જયરાજ અને શક્તિરાજ બંને બાઈક પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે એક વાડી પાછળથી સ્વિફ્ટ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી અને કારમાંથી મયુર વલકુભાઈ વરુ અને અન્ય ત્રણ ઈસમો નીચે ઉતર્યા હતા. તેમણે બંને યુવકો પર કુહાડી, તલવાર અને પાઈપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેથી આરોપી મયુરે જયરાજના માથાના ભાગે તલવારનો વાર કર્યો હતો. જ્યારે બાકીને શખ્સોએ પણ હુમલો કર્યો.

ગંભીર હાલતમાં બંને યુવકોને સારવાર હેઠળ ખસેડાયા

જયરાજને બચાવવા વચ્ચે પડેલા શક્તિરાજ વાળાને પણ લોખંડની પાઈપથી ઢોર માર મારવામાં આવ્યો હતો.આરોપીઓએ યુવકને 'પ્રેમલગ્ન કેમ કર્યા?' કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને હતી. ઘટનાને અંજામ આપીને આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. બંને યુવકોને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આરોપી અને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક જયરાજે સુર્મિલાબેન સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારે સુર્મિલાબેનની સગાઈ અગાઉ મયુક વલકુભાઈ વારુ સાથે નક્કી હતી. આથી મનદુ:ખને લઈને આ બંને યુવકો પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હાલ આ મામલે મયુર વરુ અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી શરુ કરી છે.