Amreli News: અમરેલીના ધારી પંથકમાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટના સામે આવી છે. ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક એક 8 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
ઘર નજીક બાળકી પર દીપડાનો હુમલો
મળતી માહિતી મુજબ, જળજીવડી ગામ નજીક રહેતા વિશુભાઈ પાટડીયાની 8 વર્ષની દીકરી ઘર નજીક હતી ત્યારે અચાનક દીપડો ત્રાટક્યો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ દીપડએ બાળકીને પંજો મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકીએ ચીસાચીસ કરતાં પરિવારજો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો
લોકોનો અવાજ સાંભળતા દીપડો ભાગ્યો
લોકોને પોતાની તરફ આવતા જોઈ દીપડો બાળકીને છોડીને સીમ વિસ્તાર તરફ ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધરાયા
વન વિભાગે દીપડાના પંજાના નિશાન આધારે તેનું લોકેશન મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં પાંજરુ યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું હતું. ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાઓને લીધે સ્થાનિકોએ તાત્કાલિક હિંસક દીપડાઓને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગણી કરી હતી.
