અમરેલીમાં 24 કલાકમાં 3 સિંહબાળના મોત: વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો, એક સિંહબાળની હત્યાની આશંકા

અમરેલી જિલ્લામાંથી 26 જૂને માત્ર 24 કલાકમાં જ ત્રણ સિંહબાળના મોત થતા વન વિભાગમાં દોડતું થઈ ગયું છે, ઉપરાંત સિંહપ્રેમીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 27 Jun 2026 03:04 PM (IST)Updated: Sat, 27 Jun 2026 03:04 PM (IST)
amreli-3-lion-cubs-death-in-24-hours-forest-department-investigation

Amreli lion cub death: ગુજરાતમાં ગીર અભ્યારણ્ય અને અમરેલીમાં સિંહોનો વસવાટ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહોના મોતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે અમરેલી જિલ્લામાંથી 26 જૂને માત્ર 24 કલાકમાં જ ત્રણ સિંહબાળના મોત થતા વન વિભાગમાં દોડતું થઈ ગયું છે, ઉપરાંત સિંહપ્રેમીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

અમરેલી જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ સિંહ બાળના મોત થયા. જેમાં દલખાણીયા રેન્જ, બગસરા રેન્જ અને પાણીયા રેન્જમાં સિંહ બાળોના મોત થયા છે. વન વિભાગની કામગીરી અને સ્થાનિક આરએફઓના નબળા પેટ્રોલિંગ પર સ્થાનિકો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જેથી ગાંધીનગરથી વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે.

બગસરામાં 2થી 3 દિવસના નવજાત સિંહબાળનું મોત

ઘટનાની વાત કરીએ તો, બગસરા તાલુકાના હામાપુરમાંથી માત્ર 2થી 3 દિવસનું નવજાત સિંહબાળનું મોત થયું છે. આ નાના સિંહ બાળની મોતને લઈને કુદરતી કે અન્ય કોઈ કારણ હોઈ શકે. તે દિશામાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી.

દલખાણીયા રેન્જમાં સિંહબાળનું મોત

અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જમાં એક સિંહ બાળનું મોત થયું છે. અહીં વન વિભાગની ટીમને એક 6થી 7 માસના સિંહબાળનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા ખળભળાટ મચ્યો છે. તેમજ પ્રાથમિક દ્દષ્ટિએ સિંહ બાળની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોઇ અજાણ્યા ઈસમે સિંહબાળને મોતને ઘાટ ઉતારીને ફેંકી દિધા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

પાણીયા રેન્જમાં વર્ચસ્વની લડાઈમાં સિંહ બાળનું મોત

સિંહ બાળના મોતની ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. વન વિભાગે કરેલા દાવા મુજબ, પાણીયા રેન્જ વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ દરમિયાન એક વધુ સિંહબાળનું મોત થયું છે. વન વિભાગે આ સિંહબાળના મૃતદેહને કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરથી અધિકારીઓએ આપ્યા આદેશ

એક જ દિવસમાં ત્રણ સિંહ બાળના મોતથી ગાંધીનગર સુધીના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે દલખાણીયા રેન્જમાં જે સિંહબાળનું મોત થયું તે અંગે અધિકારીઓએ કડક આદેશ આપીને વન વિભાગની ટીમો દ્વારા તપાસ અને સ્કેનિંગ સહીતની કામગીરી શરુ કરી છે, ઉપરાંત સિંહબાળોના મૃતદેહને પીએમ માટે મોકલીને આરોપીઓને ઝડપી લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.