Ahmedabad: સરખેજમાં સિગારેટ બાબતે નજીવા ઝઘડામાં યુવકની ઘાતકી હત્યા

પીડિત પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ સખત માંગણી કરી છે કે ડ્રગ્સ માફિયા અને આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 08 Dec 2025 12:55 PM (IST)Updated: Mon, 08 Dec 2025 12:55 PM (IST)
youth-brutally-murdered-in-sarkhej-ahmedabad-over-petty-dispute-over-cigarettes

Ahmedabad Crime News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ એક યુવકનો જીવ લીધો છે. રવિવારે (7 ડિસેમ્બર) રાતે ફતેવાડી, રોનક પાનપાર્લર ચાર રસ્તા પાસે બનેલી આ ઘટનામાં આરોપી શાહરૂખ ઉર્ફે 'લીકેજ'એ યુવક જાવેદની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.

યુવકની હત્યા કરવામાં આવી

મળતી માહિતી અનુસાર, મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ વચ્ચે સિગારેટ માંગવા બાબતે માથાકૂટ થઈ હતી. આ સામાન્ય ઝઘડો થોડી જ વારમાં ઉગ્ર બની ગયો, જેના પરિણામે શાહરૂખે ઉશ્કેરાઈને જાવેદના સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો. ઊંડા ઘાને કારણે જાવેદને વધુ પડતું લોહી વહી ગયું હતું. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આરોપી ડ્રગ્સ પેડલર

મૃતક જાવેદના સાળા વસીમે આરોપી શાહરૂખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, આરોપી શાહરૂખ એમડી ડ્રગ્સનો ધંધો કરે છે અને તે અવારનવાર દારૂ પીધેલી હાલતમાં લોકોને હેરાન કરતો ફરે છે. આ ઉપરાંત, આરોપી શાહરૂખ સામે અગાઉ પણ પોલીસકર્મીઓ પર હુમલો કરવા અને લોકોને એસિડ મારવા સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

પરિવારે ગંભીર આરોપ લગાવ્યા

પીડિત પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ સખત માંગણી કરી છે કે ડ્રગ્સ માફિયા અને આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ. પરિવારે માગ કરી છે કે "જે ગુનેગાર એક-બે ગુના કરીને પણ સુધરતો નથી, તેને ત્રીજો ગુનો કરવાનો મોકો મળવો ન જોઈએ, કારણ કે તે દેશ અને સમાજ માટે જોખમરૂપ છે."

પોલીસે તપાસ શરુ કરી

હાલમાં, સરખેજ પોલીસે આ મામલે હત્યાનો ગુનો (મર્ડર) દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ આરોપીના ડ્રગ્સ નેટવર્ક અંગે પણ તપાસ કરે તેવી શક્યતા છે.