અમદાવાદમાં નામાંકિત બ્રાન્ડ્સના નામે નકલી વસ્તુઓ વેચતા રેકેટનો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત, ત્રણની ધરપકડ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુજીત છેલ્લા 1.5 વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના સપ્લાયરો પાસેથી આ માલ મંગાવતો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 24 May 2026 07:41 PM (IST)Updated: Sun, 24 May 2026 07:41 PM (IST)
fake-branded-goods-racket-busted-in-ahmedabad-three-arrested

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં જાણીતી બ્રાન્ડ્સના નામે નકલી ચીજવસ્તુઓનું વેચાણ કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના 3 અલગ-અલગ ગોડાઉનો પર કરવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે માર્લબોરો, ગોલ્ડ ફ્લેક, વાઘ બકરી ચા, અમૂલ ઘી અને એરિયલ જેવા નામાંકિત બ્રાન્ડ્સના નામે વેચાતો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજે 20 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બજારમાં કેન્સરની ચેતવણી વિનાની ડુપ્લીકેટ સિગરેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મળેલી બાતમીના આધારે પોલીસે ગોલ્ડ ફ્લેક અને માર્લબોરો કંપનીના અધિકૃત ડીલરોનો સંપર્ક કર્યો હતો અને ખરાઇ કરી હતી. ત્યારબાદ, ચાંદલોડિયા વિસ્તારમાં એક ડિકોય ગોઠવીને અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પ્રારંભિક તબક્કે 3.25 લાખની કિંમતની નકલી સિગરેટ મળી આવી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સુજીત પોદાર નામના અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં આવેલા તેના 2 ગોડાઉનો પર તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસને સિગરેટ ઉપરાંત રોજિંદા વપરાશની અનેક નકલી વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, સર્ફ એક્સેલ, હારપીક, ફેવિક્વિક અને એવરેસ્ટના મસાલા જેવી ખાદ્ય અને બિન-ખાદ્ય સામગ્રી મળી આવી હતી.

ગોડાઉનમાંથી અંદાજે 12.50 લાખની કિંમતનો આ નકલી જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સુજીત છેલ્લા 1.5 વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના સપ્લાયરો પાસેથી આ માલ મંગાવતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન મુખ્યત્વે રાજસ્થાનમાં કરવામાં આવતું હતું. ત્યાંથી માલ અમદાવાદ લાવવામાં આવતો અને વધુ નફાની લાલચમાં ફેરિયાઓ મારફતે શહેરના આર્થિક રીતે નબળા વિસ્તારોની નાની દુકાનોમાં પહોંચાડવામાં આવતો હતો. આરોપીઓ ગ્રાહકોની માંગ મુજબ ડિલિવરી પૂરી પાડવાનું કામ કરતા હતા.

જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ સીધી રીતે નાગરિકોના સ્વાસ્થ્ય અને ખાણીપીણી સાથે જોડાયેલી હોવાથી, પોલીસે તમામ નમૂનાઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. આ મામલે સંબંધિત વિભાગોને પણ જાણ કરવામાં આવી છે. હાલમાં પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યને નુકસાન પહોંચાડતી સામગ્રી અંગે અન્ય કાયદાકીય કલમોનો ઉમેરો કરવામાં આવશે.