આજે ગુજરાતી જાગરણનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ, ગુજરાતના વિશ્વવિખ્યાત સંતો-મહંતોએ રૂડાં આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 09 Sep 2024 12:02 PM (IST)Updated: Mon, 09 Sep 2024 12:02 PM (IST)
world-famous-saint-mahant-of-gujarat-congrat-gujarati-jagran-team-for-completing-2-years

દૈનિક જાગરણનું ડિજિટલ વિંગ ગુજરાતી જાગરણના આજે ગુજરાતમાં બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. ગત બે વર્ષમાં ગુજરાતી જાગરણે ઝડપી અને સચોટ સમાચાર તેમના વાંચકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે ગુજરાતના વિશ્વવિખ્યાત સંતો-મહંતો દ્વારા ગુજરાતી જાગરણ અને તેની ટીમને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જે અહીં રજૂ કર્યા છે.

naidunia_image

શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી (અથાણાવાળા), સાળંગપુર - હનુમાનજી મંદિર.
દેશના અગ્રણી દૈનિક જાગરણ સમુહના ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાતી જાગરણને ગુજરાતમાં બે વર્ષ પૂરા કરવા બદલ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના રૂડા આશીર્વાદ અને અઢળક શુભેચ્છાઓ. સોશિયલ મીડિયાના ઝડપી યુગમાં તમે સચોટ સમાચારોને વાંચકો સમક્ષ રજૂ કર્યા, તે પ્રશંસનીય અને અભિનંદનીય છે. સરળ ભાષામાં સમાચારના પ્રસ્તુત કરવાના ગુજરાતી જાગરણના પ્રયાસો લોકો આવકારી રહ્યા છે. જેને લીધે વાંચકોમાં એક અલગ ઓળખ ઊભી થઈ છે. ગુજરાતી જાગરણ આગામી સમયમાં ગુજરાતમાં સમાચાર આપતું ડિજિટલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરે એવી સાળંગપુરવાસી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્રાર્થના અને શુભકામના. જય શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી.

naidunia_image

શાસ્ત્રી સંતવલ્લભદાસ, મુખ્ય કોઠારી, વડતાલ મંદિર - ગુજરાત
જયશ્રી સ્વામિનારાયણ સહ, આપ સહુને આગામી વર્ષની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવું છું . કારણ કે , પત્રકારત્વ પ્રત્યે સંપૂર્ણ સભાનતા સાથે આપની ટીમ સજાગ રહી છે, પત્રકાર તરીકેની જવાબદારી , સકારાત્મક રીતે જવાબદારીપૂર્વક અદા કરી રહી છે. આપ અને આપની ટીમના માધ્યમે સમાજ અને રાજ્યની વિશેષ સેવા થાય , એવી અભ્યર્થના સહ.

naidunia_image

મહંત સ્વામી મહારાજ (સ્વામીશ્રી કેશવજીવનદાસજી), બીએપીએસ, સ્વામિનારાયણ મંદિર.
આશીર્વાદપૂર્વક જય સ્વામિનારાયણ. વિશેષ, એ જાણીને ખૂબ આનંદ થયો કે વૈવિધ્યસભર અને જીવનની પ્રેરણાત્મક સામગ્રી પીરસીને દૈનિક જાગરણ ગુજરાતી વેબસાઈટ સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરી રહી છે. ગુજરાત એક આગવો સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક વૈભવ અને વારસો ધરાવે છે. ગુજરાત એટલે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ. ગુજરાત એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની ભૂમિ. નરસિંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ તથા ગંગા સતી જેવાં મહાન સંતો અને ભક્તકવિઓની ભૂમિ. ગુજરાત એટલે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ. ગુજરાત એટલે પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંત વિભૂતિની ભૂમિ. દ્વારિકા, સોમનાથ, ડાકોર, અંબાજી, પાવાગઢ, ગઢપુર, સારંગપુર, શામળાજી જેવાં તીર્થોની યાત્રા કરીને કરોડો લોકો અહીંથી આધ્યાત્મિક ઊર્જા મેળવે છે. શાંત, ધર્મપ્રિય, સેવાભાવી, ઉદ્યમી, રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રપ્રેમથી ઊભરાતી પ્રજાની આ ભૂમિ છે. આવી ભૂમિ પર દૈનિક જાગરણ જેવા પ્રસિદ્ધ અને નીવડેલા માધ્યમ દ્વારા ગુજરાતની જનતાને વધુ માહિતી-સમૃદ્ધ કરવા અને જાગૃતિની લહેર પ્રસરાવવા જે પ્રયાસ થઈ રહ્યો છે તે અભિનંદનીય છે. ભારતના અન્ય પ્રાંતોમાં દૈનિક જાગરણ વર્ષોથી આવું કાર્ય સફળતાપૂર્વક કરી રહેલ છે. હવે ગુજરાતમાં એ અનુભવનો લાભ મળી રહ્યો છે, તે ગુજરાતના પ્રસાર માધ્યમોમાં એક વધુ કલગી સમાન બની રહેશે. આપના આ પ્રસાર માધ્યમનો વિકાસ થાય, પ્રેરણાત્મક સામગ્રી પીરસીને જનજાગરણનું વધુ સેવાકાર્ય આપના દ્વારા થતું રહે એવી ભગવાન સ્વામિનારાયણ, ભગવાનના સર્વે અવતારો, અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તમામ સંતો-ભક્તોનાં ચરણે પ્રાર્થના કરું છું. એ સર્વેના કૃપાશિષ આપ સૌ પર હંમેશાં વરસતા રહે એ જ અભ્યર્થના સાથે ખૂબ શુભેચ્છાઓ.

naidunia_image

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), ભાગવત કથાકાર
દૈનિક જાગરણનું ડિજિટલ વીંગ ગુજરાતી જાગરણ એના બે વર્ષની યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ હૃદયના અભિનંદન અને આવનારી ઉજળી અને ઉત્કૃષ્ટ યાત્રા માટે ખુબ ખુબ શુભકામના.

જાગરણના નામમાં જ સતત જાગતા રાખવાની વાત છે, ઉજાગરા અને જાગરણમાં ફરક છે. સત્યને માટે થઈને જાગવું તે જાગરણ છે. પત્રકારિતા એ પ્રજાતંત્રનો ચોથો મહત્ત્વનો સ્તંભ છે અને દૈનિક જાગરણ પોતાના જુદી-જુદી ભાષાના વર્તમાનપત્રો દ્વારા અને ડિજિટલ મીડિયા દ્વારા પ્રજાને, શાસકોને અને પ્રશાસકોને આપ સૌને સતત જાગતા રાખવાનું કામ કરે છે. ત્યારે બે વર્ષની યાત્રા પૂર્ણ થઇને તૃતિય વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ખૂબ ખૂબ અભિનંદન અને ખુબ ખુબ શુભકામના નમસ્કાર.

naidunia_image

હરેશ ગોવિંદદાસ પ્રભુ, ઈસ્કોન મંદિર, અમદાવાદ.
પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના બે વર્ષ પૂર્ણ કરવા બદલ ગુજરાત જાગરણને હાર્દિક અભિનંદન! ગુજરાતના લોકો માટે સત્યપૂર્ણ અહેવાલ અને ગુજરાતના લોકો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. તમારી સત્યની મશાલ વધુ તેજસ્વી અને વધુ જાણકાર અને સશક્ત સમાજ માટેના માર્ગને પ્રકાશિત કરતી રહે. તમે આવાનારા વર્ષોમાં વધુ સફળતાઓ મેળવો તેવી શુભકામના.