Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક પરિણિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ઝેરી દેવા પી લેતા પરિણીતા અને તેના સંતાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિણીતા અને તેના પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે બે પુત્રીઓ સારવાર હેઠળ છે. મૃતકની એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છેકે, મમ્મી-પપ્પા હું થાકી ગઇ છું. મારે અને મારા સંતાનોને નથી જીવવું. બનાવ અંગે ઓઢવ પોલીસે સ્યૂસાઇડ નોટના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા કૃપા પંચાલ તેના પતિ, એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહેતી હતી. આજ સવારે પરિણીતાએ ઘંઉમાં નાંખવાની દવા કોલ્ડ્રિંક્સમાં નાંખી દીધી હતી. બાદમાં ત્રણેય સંતાનોને પીવડાવી દીધી હતી અને પોતે પણ પી લીધી હતી. ઝેરી દવા સાથેનું કોલ્ડ્રિંક્સ પીધા બાદ પરિણીતા અને તેના ત્રણેય સંતાનોને ઉલટી થવા લાગી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન પરિણીતા કૃપા પંચાલ અને તેના બે વર્ષીય પુત્ર વ્રજનું મોત નીપજ્યું હતું જ્યારે બન્ને પુત્રીઓ હાલ સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં ઓઢવ પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા પરિણીતાના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું લખ્યુ હતું સ્યૂસાઇડ નોટમાં…
મૃતક પરિણીતાએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી પપ્પા હું બઉજ થાકી ગઇ છું… મારે અને મારા છોકરા ને નથી જીવુ. હું જઉં છું અને મારા ગયા પછી તમે રડતાં નહીં અને હું જઉને મને મારા છોકરાને અગ્નિ તમે આપજો. તમારી દિકરી તરીકે મને વિદાય આપજો. મારે કોઇને વહુ બનીને મને વિદાય ના આપતા. અને હાં એના હાથે મને સિંદુર પણ ન પુરાવતા. મારે તમારા ઘરે કે પાછું નથી આવવું. હું કોઇના એટલે કોઇના પર બોઝ બનવા નથી માગતી.
એટલે હું હવે આ પગલું ભરુ છું. અને હા આ ઘરમાં મારુ કે મારા છોકરાઓનું હવે કંઇ જ નામ નિશાન ના રહેવુ જોઇએ. આમેય હું કે મારા છોકરા હોય કે ના હોય કશું જ ફરક નથી પડતો. બસ હવે હું જઉ પપ્પા, મમ્મી, ભાઈ તમે લોકો બઉ જ રડતા નહીં. અમને લોકોને યાદ કરીને રડતા નહીં. હમેશા ખુશ રહો તમે લોકો….
