પરેશ ગોસ્વામીની આગાહીઃ વરસાદી સિસ્ટમનો ટ્રેક બદલાતા ભારે વરસાદ ટળ્યો, ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધી માત્ર હળવા ઝાપટા જ વરસશે

પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદની નવી આગાહી કરી છે, જેમાં 6 સપ્ટેમ્બર સુધી હળવા ઝાપટાં અને ત્યારબાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ ફંટાઈ જતાં ભારે વરસાદ ટળ્યો છે, પરંતુ સપ્ટેમ્બરમાં વધુ 3-4 રાઉન્ડની અપેક્ષા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 12:00 AM (IST)Updated: Sat, 29 Aug 2026 12:00 AM (IST)
weather-expert-paresh-goswami-rain-prediction-light-showers-till-sept-6

Paresh Goswami Rain Prediction: છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં વરસાદમાં મોટો વિરામ પડ્યો છે, જેના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો છે અને અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પવનની ગતિ, વર્તમાન તાપમાન અને આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગે અગત્યની આગાહી કરી છે.


પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે મોટા વરસાદની અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ તેમાં ફેરફાર થયો છે. હવે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ફરી એકવાર રાજ્યભરમાં સારો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે.

તાપમાનમાં વધારો અને પવનની તીવ્રતા

અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વચ્ચે-વચ્ચે તીવ્ર તડકો નીકળવાને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. હાલમાં સરેરાશ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં ચાલી રહ્યું છે. આ સાથે પવનની ઝડપ પણ સામાન્ય કરતાં વધુ છે.

ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પવનની ઝડપ 18 થી 24 કિલોમીટર પ્રતિ કલાક અને અન્ય વિસ્તારોમાં 14 થી 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

 

વરસાદી સિસ્ટમનો ટ્રેક બદલાયો: ભારે વરસાદ ટળ્યો

હવામાનની વિપરીત પરિસ્થિતિઓને કારણે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ફંટાઈ ગઈ છે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈને સીધી ગુજરાત તરફ આગળ વધવાની હતી, તેને બદલે તે મધ્ય પ્રદેશની સરહદ પરથી રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે. જેના કારણે ગુજરાતને આ સિસ્ટમનો સીધો મોટો લાભ નહીં મળે અને આગામી 6 સપ્ટેમ્બર સુધી ધોધમાર વરસાદને બદલે માત્ર હળવા-મધ્યમ વરસાદી ઝાપટા જ પડશે

જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી સામાન્ય અને કેટલાક સ્થળોએ ભારે ઝાપટાંની શરૂઆત થઈ ચૂકી છે અને તે આગળ પણ ચાલુ રહેશે.
મધ્ય ગુજરાત અને સરહદી ભાગો: મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદે આવેલા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ઝાપટાં પડશેય. આ ઉપરાંત આણંદ, ભાલ પંથક, વડોદરા, ખેડા, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પૂર્વ ભાગોમાં પણ હળવાથી મધ્યમ અને કોઈક જગ્યાએ ભારે ઝાપટાં નોંધાઈ શકે છે.


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટાંની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ માત્ર હળવા સામાન્ય ઝાપટાં પડી શકે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું અને વાદળછાયું રહેશે


6 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હાલની સિસ્ટમ બાદ બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જો આ નવી સિસ્ટમનો ટ્રેક નહીં બદલાય, તો 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે આખા ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ નોંધાઈ શકે છે.

આ ઉપરાંત આગામી અઠવાડિયા કે 10 દિવસમાં ચોમાસાની વિદાય થવાના કોઈ સંકેત નથી. બંગાળની ખાડી અને અરબ સાગર હજુ પણ સક્રિય હોવાથી સપ્ટેમ્બરમાં વરસાદના હજુ 3 થી 4 રાઉન્ડ આવી શકે છે, જે શિયાળુ પાક લઈ શકાય તેટલું પૂરતું પાણી પૂરું પાડશે અને ત્યાર બાદ જ ચોમાસું વિદાય લેશે.