રાજકોટમાં 6 મહિના પહેલા જ પરણેલી સગર્ભાનો ભેદી સંજોગોમાં આપઘાત, પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લેતા પરિવાર સ્તબ્ધ

રાજકોટના રેલનગર વિસ્તારમાં 6 મહિના પહેલા પરણેલી અને ગર્ભવતી 23 વર્ષીય જીયા અમિત રાઠોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. જીયાએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Aug 2026 09:55 PM (IST)Updated: Fri, 28 Aug 2026 09:55 PM (IST)
rajkot-crime-news-pregnant-woman-commits-suicide-within-6-months-of-marriage

Rajkot: રાજકોટના રેલનગર વિસ્તારમાં એક સગર્ભાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પરિણીતાના આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જીયાના 6 મહિના પહેલા જ અમિત સાથે લગ્ન થયા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી જીયા અમિત રાઠોડ (23) નામની યુવતીએ ગઈકાલે પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘણાં સમય સુધી જીયા બહાર ના આવતા પરિવારના સભ્યો રૂમમાં ગયા, ત્યારે પંખા પર લટકતી હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક જીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ બાબતની જાણ થતાં પદ્યુમનનગર પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી. જ્યાં પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જીયાના 6 મહિના પહેલા જ અમિત રાઠોડ સાથે લગ્ન થયા હતા. તેમજ હાલ મૃતક ગર્ભવતી હતી. જો કે જીયાએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસની ટીમે પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આપઘાતનું સાચું કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.