Rajkot Water Cut: રાજકોટ શહેરના લોકોને આજથી 6 દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે, શહેરમાં પાણી વિતરણ કરતી ત્રણ મુખ્ય લાઈન તૂટી જવાના લીધે આજથી તારીખ 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ લીધેલા આકરા નિર્ણયથી લાખો શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
રાજકોટમાં આગામી 6 દિવસ માટે પાણીકાપ
એક તરફ તંત્ર દ્વારા 'એક્સપ્રેસ ફીડર લાઇન' નાખવાની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ, સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી અને ન્યારી ડેમમાં ઠાલવવાની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ પાઇપલાઇનો તૂટવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમજ આગામી 16થી 21 સપ્ટેમ્બર સુધી લોકોએ પાણીકાપની મુશ્કેલી વેઠવી પડશે.
કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તંત્રની અપીલ
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમના તળિયા દેખાઈ ગયા છે, ત્યારે આ પ્રકારે પાણીકાપ આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
