પરેશ ગોસ્વામીની આગાહીઃ અરબ સાગરની અંદર સિસ્ટમે ગતિ પકડી, એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

છેલ્લા દોઢેક મહિનાથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવે તેમાં દરરોજ ક્રમશઃ 1 ડિગ્રી જેટલો ઘટાડો થવાથી આગામી સપ્તાહે મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં આવશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 May 2026 09:02 PM (IST)Updated: Tue, 19 May 2026 09:07 PM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-pre-monsoon-activity-rain-with-thunderstorm-in-saurashtra-south-gujarat-for-a-week
AI Image
HIGHLIGHTS
  • નૈઋત્યનું ચોમાસું શ્રીલંકાને આવરી સમય કરતાં વહેલું આગળ વધ્યું

Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં લાંબા સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી અને ઊંચા તાપમાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાહત આપતી આગાહી કરી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં પવનની ગતિમાં વધારો થવા સાથે તાપમાનમાં ઘટાડો થશે. આ સાથે જ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે

આ અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગત 9 એપ્રિલથી ગુજરાતમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. જો કે હવે 20 મેથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની શરૂઆત થશે.

આવતીકાલથી દરરોજ આશરે 1 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની સંભાવના છે. જેના પરિણામે આગામી 2-3 દિવસમાં મહત્તમ પારો 40 ડિગ્રીની નીચે આવી જશે. આગામી સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે, જે લાંબા સમયની ગરમી બાદ મોટી રાહત આપશે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અને નૈઋત્યનું ચોમાસું

અત્યારે પવનની ગતિ 18 થી 21 કિમી પ્રતિકલાકની છે, જેમાં આવતીકાલથી ધીમે-ધીમે વધારો થશે. આગામી એક સપ્તાહ સુધી 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઈ-કોઈ ભાગમાં પવનની ગતિ 25 કિમીથી પણ વધી જાય છે.

ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું હાલ શ્રીલંકાના 50 ટકા ભાગને કવર કરીને સમય કરતાં વહેલું આગળ વધી રહ્યું છે. હાલ કેરળના દરિયાકાંઠે અરબ સાગરમાં એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, જે ઝડપભેર ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે.

આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ તેના કારણે રાજ્યમાં 20 થી 28 મે દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની વધુ અસર રહેશે.જ્યાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

વીતેલા 24 કલાકમાં ગુજરાતમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે. આ સિવાય અન્ય મોટા શહેરોમાં મહત્તમ તાપમાનો પર નજર નાંખીએ તો, અમદાવાદમાં 42.2 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી અને સુરતમાં 38.2 ડિગ્રી નોંધાયું છે.