હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી: 16 થી 18 નવેમ્બરે વધશે ગાઢ ધુમ્મસ, જાણો ક્યારથી શરૂ થશે કડકડતી ઠંડી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં નવેમ્બરમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે, જેમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો અને આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 13 Nov 2026 10:42 AM (IST)Updated: Fri, 13 Nov 2026 10:42 AM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-cold-wave-forecast
AI IMAGE

Paresh Goswami Gujarat Weather Forecast: ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પવનની ગતિ, દિવસ અને રાત્રિના તાપમાન, ઠંડીનું પ્રમાણ તેમજ ઝાકડ વર્ષા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે.

પવનની ગતિ રહેશે સામાન્ય

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પવનની ગતિ સામાન્ય નજીક રહી છે. હાલ મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 16 થી 18 કિમી અને અમુક જગ્યાએ 20 કિમી પ્રતિ કલાક નોંધાઈ રહી છે. આગામી એકાદ અઠવાડિયા સુધી પવનની ગતિમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને પવનની ઝડપ રાબેતા મુજબ જ રહેશે.

તાપમાનમાં ઘટાડો

પરેશ ગોસ્વામીની અગાઉની આગાહી મુજબ 12 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન શિયાળાની પ્રારંભિક અસર શરૂ થઈ ગઈ છે. રાત્રિના લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં રાતના સમયે ઠંડીનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે 13 નવેમ્બર 2026 થી દિવસનું ઊંચું તાપમાન પણ નીચું આવીને નોર્મલ નજીક 32 થી 34 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં આવી જશે. હવે તાપમાન 35 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા નહિવત છે.

ગાઢ ધુમ્મસ અને ઝાકળની શક્યતા

આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને 16, 17 અને 18 નવેમ્બરના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઝાકડ વર્ષા જોવા મળી શકે છે.

કડકડતી ઠંડી ક્યારથી? 

તીવ્ર કે ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીની શરૂઆત આગામી 2 થી 5 દિવસમાં નથી થવાની, પરંતુ આગામી એકાદ અઠવાડિયામાં રાજ્યમાં બરાબરની સારી ઠંડી જામવાની શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહતના સમાચાર આપતાં પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ રાજ્યમાં માવઠાની કોઈ જ શક્યતા નથી, તેથી ખેડૂતો કે નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.