Weather Expert Paresh Goswami On Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા 30 જૂનથી વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. એકાદ સપ્તાહ સુધી ચાલેલા આ રાઉન્ડમાં સિઝનનો સરેરાશ 24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
ગત 8 જૂન બાદ મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હોય, તેમ ગુજરાતમાં ફરી ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતુ. જો કે ગઈકાલથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં પવનની ગતિ અને વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે.
25 જુલાઈથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આગામી 20 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટાછવાયા હળવા-મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અત્યારે મોન્સૂન ઑફસોર ટ્રફ સક્રિય થયો છે. આ સિવાય ગુજરાત પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, પરંતુ હાલ તે નબળું હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત છે. જો કે 25 થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે.
પવન શાંત પડશે, તાપમાન ઘટતા બફારામાંથી રાહત મળશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં 25 થી 35 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે હવે શાંત પડશે. ચોમાસું ધરી ધીમે-ધીમે ગુજરાત તરફ ખસી રહી હોવાથી પવનની ઝડપમાં ઘટાડો થશે. આવનારા 24 થી 48 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ ઘટીને 18 થી 20 કિમી પ્રતિ કલાક પહોંચી જશે.
આવી જ રીતે તાપમાનની વાત કરીએ તો, થોડા દિવસોથી તાપમાન 28 થી 34ની વચ્ચે નોંધાઈ રહ્યું હોવાથી લોકો ગરમી અને બફારાથી બેહાલ થઈ રહ્યા છે. જો કે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે અને સરેરાશ તાપમાન 30 ડિગ્રીની નીચે જઈ શકે છે. જુલાઈ મહિનાના બાકીના 15 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 26 થી 29 ડિગ્રીની રેન્જમાં રહેશે. જેનાથી લોકોને બફારામાંથી મોટી રાહત મળશે.
આજે ગુજરાતના 92 જેટલા તાલુકામાં મેઘમહેર
જો આજે વરસાદની વિગતો જોઈએ તો, સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના કામરેજ તાલુકામાં સૌથી વધુ 46 મિ.મી (1.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય કચ્છના રાપરમાં 43 મિ.મી (1.6 ઈંચ), સુરતના બારડોલી અને માંગરોળમાં 38 મિ.મી (1.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 35 મિ.મી (1.3 ઈંચ) અને ભરુચના નૈત્રંગમાં 29 મિ.મી (1 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
