આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, IMDએ કરી આગાહી

ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન જૂનાગઢ, અમરેલી, રાજકોટ, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની આગાહી. IMDના નવા અપડેટ સાથે જાણો તમારા જિલ્લાનું હવામાન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 02:47 AM (IST)Updated: Mon, 02 Nov 2026 02:47 AM (IST)
rain-likely-in-saurashtra-and-south-gujarat-over-the-next-24-hours-imd-predicts

Gujarat Weather Update: ગુજરાતમાં વાતાવરણનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની માહિતી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ચોક્કસ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ક્યા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ?

IMDના બુલિટીન મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

તદ્ઉપરાંત, ઉત્તર ગુજરાત, કચછ અને દક્ષિણ ગુજરાતના બાકીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાનું અનુમાન છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

શુક્રવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

  • વિસાવદર (જૂનાગઢ): 51 મીમી (સૌથી વધુ)
  • અમરેલી: 39 મીમી
  • કુનકાવાવ વડિયા: 38 મીમી
  • જેતપુર (રાજકોટ): 31 મીમી
  • ભેસાણ: 25 મીમી
  • ઉપલેટા: 20 મીમી, ધોરાજી: 18 મીમી, ગોંડલ: 15 મીમી
  • સતલાસણા (મહેસાણા): 12 મીમી

તાપમાન અને અમદાવાદનું હવામાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો વધારો થઈ શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી જ્યારે નલિયામાં લઘુત્તમ 18.6 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.