Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું આકાર પામ્યું છે. મુરાસુ વાવાઝોડું (Cyclone Murasu) આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થવાની શક્યતા નથી. જોકે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. જ્યાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આજે અને આવતીકાલે માવઠાની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 1 નવેમ્બરના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ થઇ શકે છે. જ્યારે 2 નવેમ્બર 2026ના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીં
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં લઘુત્તમ પારો ગગડ્યો હતો. જોકે રાજ્યના અન્ય ભાગમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાનન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
બંગાળની ખાડીમાં મુરાસુ વાવાઝોડું સર્જાયું
દક્ષિણપશ્ચિમ અને તેની આસપાસના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના વિસ્તારોમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન આજે સવારે સાઇક્લોનિક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડામાં ફેરવાયું છે. આ વાવાઝોડાને મુરાસુ નામ આપવામાં આવ્યું છે. જે છેલ્લા 6 કલાકથી 23 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડું દક્ષિણપશ્ચિમ અને તેની આસપાસના પશ્ચિમમધ્ય બંગાળની ખાડીના વિસ્તારોમાં કેન્દ્રિત થયું છે. આ મુરાસુ વાવાઝોડું ચેન્નાઇથી 560 અને વિશાખાપટ્ટનમથી 660 કિ.મી. દૂર છે.
આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને 2 નવેમ્બરના રોજ સેવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે. ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ દિશામાં દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે. એ સમયે તેની ઝડપ 100થી 120 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 2થી 3 નવેમ્બર દરમિયાન વાવાઝોડું નેલ્લોરે અને નર્સાપુરની વચ્ચેથી પસાર થઇ શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે આંધ્ર પ્રદેશ, તમિલનાડું, દક્ષિણ ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ વાવાઝોડાનું હાલની દૃષ્ટિએ ગુજરાત પર અસર થવાની શક્યતા નથી.
