Ambalal Patel Rain Forecast: ઓગસ્ટ મહિનો અડધો વીતી ચૂક્યો છે, ત્યારે આ મહિનામાં ચોમાસાનો એકંદરે ફ્લોપ શૉ જોવા મળ્યો છે. જુલાઈના અંતમાં ગુજરાતને રીતસરના ઘમરોળ્યા બાદ મેઘરાજા જાણે આરામ પર ઉતરી ગયા હોય તેમ ઓગસ્ટમાં અત્યાર સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ નોંધાયા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને રાહતરૂપ આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યારે સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે અત્યંત સારું ગણાય છે. આગામી 31 ઓગસ્ટે સૂર્ય ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે, ત્યાં સુધીના 15 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો
બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઓગસ્ટ મહિનાના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. બંગાળની સિસ્ટમના કારણે મધ્ય પ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના પરિણામે નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે.
27 ઓગસ્ટથી 4 દિવસ તોફાની વરસાદનો રાઉન્ડ રહેશે
ગુજરાતમાં વરસાદની વિગતો આપતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આવનારી 23 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ આઠ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. જો કે 27 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે.
આ ચાર દિવસ દરમિયાન મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ભાગો તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદના ઝાપટા પડી શકે છે.
વરસાદની ઘટ ધરાવતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ સારો
રાજ્યમાં વરસાદની સૌથી મોટી ખાધ ધરાવતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, જો અરબ સાગર સક્રિય થશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. આમ છતાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ સારો રહેશે.
જણાવી દઈએ કે, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો સરેરાશ 74 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જે પૈકી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદની ઘટથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં તો અત્યાર સુધી સિઝનનો માંડ 6 ટકા જ વરસાદ થયો છે.
જ્યારે પોરબંદરમાં 17 ટકા, કચ્છમાં 29 ટકા અને જામનગરમાં 28 ટકા જ વરસાદ નોંધાયો છે. એવામાં જો અરબ સાગરની સિસ્ટમ સક્રિય થઈ જવાથી આ ભાગોમાં ભારે વરસાદ વરસશે, તો આ જિલ્લાઓના ખેડૂતોના જીવમાં જીવ જરૂર આવશે.
