અંબાલાલ પટેલની આગાહીઃ રોહીણી નક્ષત્ર ઉતરતાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, 4 જૂન સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

અરબ સાગરમાં સક્રિય સાયક્લોનિક સિસ્ટમના કારણે ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે. જો કેરળમાં ચોમાસું મોડું પ્રવેશે તો તેની અસર ગુજરાતના હવામાન પર પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 May 2026 11:06 PM (IST)Updated: Fri, 29 May 2026 11:07 PM (IST)
weather-expert-ambalal-patel-prediction-agahi-for-thunderstorms-and-rains-across-gujarat-till-june-4
HIGHLIGHTS
  • ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે, પરંતુ ભેજવાળા વાતાવરણના કારણે બફારો રહેશે

Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં સૂર્ય નારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાના આગમન, ગરમીમાં રાહત અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અરબ સાગરની સિસ્ટમના કારણે ચોમાસું મંદ પડ્યું

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાને આગળ નથી વધવા નથી દેતુ. જો કેરળમાં ચોમાસું મોડું બેસે, તો તેની અસર ગુજરાત ઉપર પણ થતી હોય છે. વર્તમાન પરિબળો જોઈએ તો, આગામી 4 જૂન સુધીમાં કેરળના કાંઠે ચોમાસું બેસે તેવી પુરી શક્યતા છે.

આથી 4 જૂન પહેલા ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરના ભાગરૂપે વરસાદ પડી શકે છે. જે અંતર્ગત આવતીકાલે 30 મેથી 4 જૂન સુધી ગુજરાતના ઘણાં ખરા ભાગોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા સાથે તોફાની વરસાદ વરસી શકે છે.

રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ પડે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હમણાં રોહીણી નક્ષત્રમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. રોહિણી નક્ષત્ર ઉતરતાં એટલે કે 8 જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ, વડોદરા અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન કોઈ-કોઈ ભાગોમાં 50 મિલીમીટર એટલે કે 2 થી અઢી ઈંચ જેવો વરસાદ નોંધાઈ શકે છે.

જે બાદ 8 જૂનથી મૃગશિર્ષ નક્ષત્રમાં પણ સારો વરસાદ રહેશે. આમ એક વાત ચોક્કસ છે કે, હવે ધીમે-ધીમે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થશે. જો કે વાદળછાયા વાતાવરણના કારણે કેટલાક ભાગોમાં અસહ્ય બફારો પરેશાન કરશે.