Ambalal Patel, Gujarat Weather Forecast: અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યના અલગ-અલગ ભાગોમાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વેળા મેઘરાજાએ મહેર કરતાં આગામી દિવસમાં આવી રહેલ નવરાત્રીની તૈયારીમાં લાગી ગયેલા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પેઠી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજુ આવતીકાલ એટલે કે 28 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્નનગર, કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં વરસાદની શક્યતા છે.
ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાને જોતા ખેતરમાં ઉભા રહેલા ધાન્ય પાકોનો સોંથ વળી જવાની ભીતિ રહેશે. આ ઉપરાંત વિષમ હવામાનની વિપરિત અસરના કારણે કૃષિ પાકોમાં રોગની શક્યતા રહેશે.
આગામી 5 ઓક્ટોબર સુધી હાથિયો નક્ષત્રમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેથી આગામી 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહેલી નવરાત્રીના પહેલા ત્રણેક દિવસ ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ પડી શકે છે. જે બાદ 10 ઓક્ટોબરથી આવી રહેલા ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગ્રહોની સ્થિતિના કારણે પણ આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. આગામી 7 થી 13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જ્યારે બંગાળના ઉપસાગરમાં પણ 14 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું ફૂંકાઈ શકે છે. જેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે.
