અંબાલાલ પટેલની આગાહીઃ પતંગરસિયાઓ માટે 'ગુડ ન્યૂઝ', ઉત્તરાયણે બહું ઠુમકા નહીં મારવા પડે; પતંગબાજી માટે અનુકુળ પવન ફૂંકાશે

ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 10:48 PM (IST)Updated: Thu, 01 Jan 2026 10:48 PM (IST)
weather-expert-ambalal-patel-ni-agahi-for-uttarayan-kite-flying-day
HIGHLIGHTS
  • 11 જાન્યુઆરીથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે
  • કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે જઈ શકે

Weather Expert Ambalal Patel Ni Agahi: આ વર્ષે ગુજરાતમાં શિયાળો હજુ સુધી જોઈએ તેવો જામ્યો નથી. દિવાળી બાદ કમોસમી માવઠાના રાઉન્ડ બાદ ઠંડીનો ચમકારો સહેજ વર્તાયો હતો. જો કે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે.

આમ પણ શિયાળો શરૂ થયો, ત્યારથી ગુજરાતનું હવામાન ખૂબ જ વિષમ જોવા મળી રહ્યું છે. જો ગઈકાલની વાત કરીએ તો, રાજ્યના ઘણાં ભાગોમાં લોકોને એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ થયો હતો. જેમાં સવારે ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમી તો રાત પડતા માવઠું પડ્યું હતુ.

એવામાં આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના પર્વને લઈને પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

11 જાન્યુઆરીથી ઠંડી ધ્રુજાવી નાંખશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આગામી 11 જાન્યુઆરીથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી,સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે. જ્યારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે જઈ શકે છે.

ઉત્તરાયણમાં પવનની ગતિ પતંગ રસિયાઓને અનુકુળ રહેશે
જો ઉત્તરાયણની વાત કરીએ તો, પતંગ રસિયાઓ માટે રાહતના સમાચાર છે. 14 જાન્યુઆરીએ પવનની ગતિ પતંગને અનુકુળ રહેશે. સવારે પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિકલાકની આસપાસ રહેશે. જેમ-જેમ દિવસ પસાર થતો જશે, તેમ-તેમ પવનની ગતિ પણ વધતી જશે. જ્યારે સાંજ સુધીમાં 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

18 થી 21 જાન્યુઆરી દરમિયાન વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવશે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં શીત લહેરના પગલે ગુજરાતમાં ઠંડી વધી શકે છે.