Ahmedabad: ગત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે 76 હજાર દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી, જેની ભારે ટીકા થઈ હતી. આ ઉજવણીના બીજા દિવસે મોરબી જિલ્લાના જેતપરના 21 જેટલા યુવાનોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને હવે વિશ્વ ઉમિયાધામના મીડિયા કમિટી ચેરમેન ધવલ માંકડિયાએ વિરોધીઓને જવાબ આપ્યો છે.
વિશ્વ ઉમિયાધામ સંસ્થા આપણા બધાની માતા છે, ત્યાં તિસમાર ખા બનીને ના આવો
ધવલ માંકડિયાએ કારમાં બેઠા-બેઠા એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ વિશ્વ ઉમિયાધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા લોકોને તીસમાર ખાં તરીકે સંબોધીને કહે છે કે, માત્ર મોરબીના જેતપરમાં જ ખેડૂતો નથી રહેતા. અમે પણ ખેડૂતો છે. ખેડૂતોનો પ્રશ્ન તમારા એકલાનો જ નથી. રાજ્યના 5 હજાર ગામડાઓમાં રહેતા અન્ય ખેડૂતોના પ્રશ્નો પણ છે.
જો કે ગઈકાલે તમે લોકોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સામે જે શૉ બાજી કરી, તેમને મારે એટલું કહેવું છે કે, વિશ્વ ઉમિયાધામ સંસ્થા આપણા બધાની માતા છે, જ્યા જગત જનની મા ઉમિયા બિરાજમાન છે. આપણે જ્યારે પણ ત્યાં આવીએ, ત્યારે તીસમારખા બનીને નહીં, પરંતુ માતાના સંતાન બનીને આવવાનું.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા હંમેશા ખેડૂતોની પડખે જ છે
વધુમાં તેમણે જણાવ્યું કે, વિશ્વનો કોઈ પણ પ્રશ્ન હશે, તો તેનું માતાજીના ચરણોમાં જ નિરાકરણ આવશે. તમે વીડિયો બનાવીને બ્રોડકાસ્ટ કરો છો અને જેતપરમાં સભાઓ ભરો છો કે અમને ધક્કા મારીને કાઢી મૂક્યા, અમારું અપમાન કર્યું, ખેડૂતોના પ્રશ્નો નથી સાંભળ્યા.
સવાર 10 વાગ્યા તમે જ્યારે સંસ્થા પર આવ્યા, ત્યારે પાણી પીધુ, ભોજન-પ્રસાદી લીધી, તે તમામ વ્યવસ્થા પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જ કરી હતી. તમે અમારા જ ભાઈઓ છો, અમે તમને ક્યાં ધક્કા માર્યા હતા. મારે તમને પૂછવું છે કે, તમારા પિતાશ્રી-દાદાજીએ કોઈ સંસ્થા ચલાવી છે?
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે જ્યારે આ વિવાદ મીડિયામાં ચગ્યો, ત્યારે તેમણે ખુદ ચિંતા કરીને સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, આ પ્રશ્ન ખેડૂતોનો પ્રાણપ્રશ્ન છે. સંસ્થા હંમેશા ખેડૂતોની પડખે જ છે. તમે 25 જણની જગ્યાએ 2500 લોકો આવો, પરંતુ તિસમારખા બનીને નહીં, પરંતુ માતાના દરબારમાં સંતાન બનીને આવવાનું.
હકીકતમાં જેતપરના યુવકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી વ્યક્તિગત કરવામાં આવી હતી કે આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જો સંસ્થા દ્વારા કરવામાં આવી હોય, તો આપણા સમાજના પૈસાનો ધુમાડો આવા કાર્યક્રમોમાં શા માટે કરવામાં આવ્યો?
