Ahmedabad News: અમદાવાદના વિરમગામ તાલુકામાં કાયદો અને પોલીસ વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉઠાવતો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિરમગામમાં આવેલા ભરવાડી દરવાજા પાસે રસ્તા પર ફટાકડા ફોડવા મુદ્દે ઉગ્ર વિવાદ થયો હતો. શરુઆતમાં બંને પક્ષોએ સામાન્ય બોલાચાલી જ થઈ હતી. પરંતુ ધીમે ધીમે સામાન્ય. બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમી હતી. જેમાં બંને જૂથો એકબીજા સામે આવી ગયા હતા. આ હિંસક ઝઘડામાં છરીઓ અને તલવારોનો છુટ્ટા હાથે પ્રયોગ થયો હતો.
મળતી માહિતી મુજબ, વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે કેટલાક શખ્સો ફટાકડા ફોડી રહ્યા હતા. આથી રસ્તા પર જઈ રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. આથી વાહનચાલકો અને સ્થાનિકોએ ફટાકડા ન ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. પરંતુ શરુઆતમાં સામાન્ય દલીલો જ થઈ રહી હતી. પરંતુ વાતાવરણ અચાનક જ ઉગ્ર બની જતાં બંને જૂથો એકબીજા સામસામે આવી ગયા હતા.
બંને પક્ષના લોકોએ એકબીજા પર છૂટાહાથે માર મારવા લાગ્યા હતા. તેવામાં તીક્ષ્ણ હથિયારોનો પ્રયોગ થતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઉશ્કેરાયેલા ઈસમોએ તલવાર અને છરી વડે આડેધડ ઘા ઝીંકતાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સ્થળ પર લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે બીજી તરફ બંને ઘાયલ યુવકોને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, હાલ બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વિરમગામ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી હતી. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ઘટનાને નજરે જોનારાઓના નિવેદનો લીધા છે. હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
