Ahmedabad Riverfront Flower Show 2024 Photos: અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં શહેરના તેમજ શહેરની આસપાસથી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે. અમદાવાદ આવેલા રાજ્યના અન્ય શહેરોના, રાજ્ય બહાર કે વિદેશી આવેલા મહેમાનો પણ ફ્લાવર શોની મુલાકાત અર્થે આવી રહ્યાં છે. મહાનગર પાલિકા અનુસાર પાંચ દિવસમાં 3 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા છે અને 15 જાન્યુઆરી સુધીમાં આંકડો 10 લાખને વટી જશે. ફ્રાન્સથી આવેલા એક ટુરિસ્ટ કપલ ફ્લાવર શો જોઇને અભિભૂત થયું હતું અને જણાવ્યું હતુ કે, આ એદ અદભૂત નજારો છે. આવું તો અમે ફ્રાન્સમાં પણ નથી કરી શક્યા.
પાંચ દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
અમદાવાદ મહાનગર પાલિકાના પાર્ક એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જીજ્ઞેશ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે જે ફ્લાવર શોનું આયોજન કર્યું છે તે 11મો ફ્લાવર શો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પ્રકારે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. એ પ્રકારે તૈયારી કરવામાં આવી છે. અહીં હેરિટેજથી લઇને લેટેસ્ટ ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ ડિસ્પ્લે કરવામાં આવી છે. જેમાં વડનગરના કીર્તિ સ્તંભ, મોઢેરા સૂર્ય મંદિર, સરદાર વલ્લભભાઈ પટેલ, નવું સંસદ ભવન, ચંદ્રયાન અને સેવન હોર્સિસની કલાકૃતિઓ ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.
આ પણ વાંચો
તેમણે વધુમાં જણાવ્યું કે, 15 લાખથી વધુ ફૂલોના રોપાને ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે. જેનાથી આ સમગ્ર લેન્ડસ્કેપમાં કલાકૃતિ સાથે રાખવામાં આવ્યા છે. પાંચ દિવસમા 3 લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે અને 12 વર્ષ સુધીના બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં 10 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી આશા છે.
આવું અમે ફ્રાન્સમાં પણ નથી કરી શક્યાં
ફ્લાવર શોમાં આવેલા એક ફ્રાન્સના મુલાકાતીએ જણાવ્યું હતું કે, ભારત આવીને ખુબજ સારુ લાગ્યું છે. જે પ્રકારે ફૂલોને પ્રદર્શિત કરવામાં આવ્યા તે ખૂબજ અદભૂત છે. અહીં ઘણીજ વેરાયટીના ફૂલો જોવા મળ્યા છે. ફ્રાન્સમાં પણ આ પ્રકારના ફ્લાવર્સ છે પરંતુ અમે ફ્રાન્સમાં આ પ્રકારે પ્રદર્શિત કરી શક્યા નથી. આ ઘણું જ મોટું છે અને ફૂલોની અનેક વેરાયટી જોવા મળી છે. આ એક યાદગાર પળ રહી છે.
એક મુલાકાતી નમ્રતા જીગર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોને જોવા માટે આવી છું. અહીં આવીને મને એટલી મજા આવી છે. ઘણા સરસ ફૂલો છે. બાળકોને પણ અહીં મજા આવી રહી છે. અહીં જે હેરિટેજ બનાવવામાં આવ્યું છે, તે ખરેખર ખૂબજ સુંદર છે. એક વખત બધાએ મુલાકાત લેવી જોઇએ.
ફ્લાવર શો નિહાળવા આવેલા બાળ મુલાકાતી દેવર પટેલે જણાવ્યું હતું કે, ફ્લાવર શો જોઇને મને ખૂબ મજા આવી છે. અહી સરદાર વલ્લભભાઈ પટેલ છે. મિકિ માઉસ છે, ઘણી બધી વસ્તુઓ છે. અહીં ક્રૂઝ પણ છે. જેમાં ખાવાનું ખાઈ શકો છો. આજે(શનિવારે) ભીડ વધુ છે પણ ટિકિટ લેવામાં અમને બહુ વાર લાગી નથી. અન્ય મુલાકાતી જિશાએ જણાવ્યું હતું કે, હું આજે ફ્લાવર શો જોવા આવી છું. પમ્પીકન જોયું, સરદાર પટેલનું સ્ટેચ્યું જોયું. યુનિકોન જોયા ખુબજ મજા પડી ગઇ.
ફ્લાવર શોમાં વિવિધ થીમ આધારીત પ્રતિકૃતિઓ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ 11માં 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024'માં વિવિધ થીમ આધારીત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર,ચંદ્રયાન-3,નવું સંસદભવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દેશ-વિદેશના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા અને સાત લાખથી વધુ રોપા દ્વારા બનાવાયેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024'માં વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ મન મૂકીને 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024'નો આનંદ માણી રહ્યાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
